મેલબોર્ન, તા.19: પોતાના રેકોર્ડ 21મા ગ્રાંડસ્લેમ ખિતાબ માટે ટેનિસ કોર્ટમાં ઉતરેલા રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. જયારે મહિલા વિભાગમાં વિશ્વ નંબર વન એશ્લે બાર્ટીની પણ બીજા રાઉન્ડમાં જીત થઇ છે.
સ્પેનના રાફેલ નડાલે બીજા રાઉન્ડમાં જર્મનીના ખેલાડી યાનિક હાંફમેનને 6-2, 6-3 અને 6-4થી હાર આપી હતી. નડાલ, જોકોવિચ અને ફેડરરના નામે 20-20 ગ્રાંડસ્લેમ ખિતાબ છે. જોકોવિચ વેકિસન વિવાદને લીધે ઓસ્ટ્રેલિયા છોડી ચૂકયો છે. જયારે ફેડરર ઇજાને લીધે ટૂર્નામેન્ટ રમી રહ્યો નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની અને વિશ્વ નંબર વન એશ્લે બાર્ટીનો બીજા રાઉન્ડમાં લૂસિયા બ્રોનજેટી વિરૂધ્ધ 6-1 અને 6-1થી આસાન વિજય થયો હતો. બાર્ટી ત્રીજા રાઉન્ડમાં 30મા ક્રમની ઇટાલીની ખેલાડી કેમિલા જિયોર્ગી સામે થશે. તેણીએ ઝેક ગણરાજયની ખેલાડી ટેરેજા માર્ટિનકોવાને 6-2 અને 7-6થી હાર આપી હતી. આઠમા નંબરની પાઉલા બાડોસ પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે. બે વખતની ઓસ્ટ્રેલિયન ઓપન પૂર્વ ચેમ્પિયન વિકટોરિયા અજારેંકા બીજા રાઉન્ડમાં જિલ ટિચમાનને 6-1 અને 6-2થી હાર આપીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે. યૂક્રેનની 1પમા ક્રમની એલિના સ્વિતોલિનાનો પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ થયો છે.
Published on: Thu, 20 Jan 2022
નડાલ અને બાર્ટી અૉસ્ટ્રેલિયન અૉપનના ત્રીજા રાઉન્ડમાં
