પ્રથમ વન ડેમાં આફ્રિકાનો 31 રને સંગીન વિજય : 1-0થી આગળ

પ્રથમ વન ડેમાં આફ્રિકાનો 31 રને સંગીન વિજય : 1-0થી આગળ
297 રનના વિજય લક્ષ્યાંક સામે ભારતના 8 વિકેટે 265
પર્લ, તા.19: પહેલા બેટિંગ અને બાદમાં બોલિંગના સહિયારા પ્રયાસથી પહેલા વન ડે મેચમાં દ. આફ્રિકાનો ભારત સામે 31 રને સંગીન વિજય થયો હતો. આથી 3 મેચની શ્રેણીમાં ગૃહ ટીમ 1-0થી આગળ થઇ છે. 297 રનના પડકારરૂપ વિજય લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયા 8 વિકેટે 265 રન કરી શકી હતી. ભારત તરફથી શિખર ધવને 79, વિરાટ કોહલીએ 51 અને શાર્દુલ ઠાકુરે અણનમ 50 રનની ઇનિંગ રમી હતી અને નવમી વિકેટમાં બુમરાહ (14) સાથે 51 રનની ભાગીદારી કરી હતી. જો કે તે જીતથી ઘણી દૂર રહી હતી. આફ્રિકા તરફથી એન્ડિગી, શમ્સી અને ફિલસકોવાએ 2-2 વિકેટ લીધી હતી. શ્રેણીનો બીજો મેચ શુક્રવારે રમાશે.
જયારે આફ્રિકા તરફથી તેંબા બાવુમા (110) અને રાસી વાન ડુસાન (અણનમ 129)ની સદી કરી હતી. બન્ને વચ્ચેની ચોથી વિકેટની 204 રનની ભાગીદારીને લીધે આફ્રિકાના 4 વિકેટે 296 રન થયા હતા.
297 રન લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 46 રને કપ્તાન કેએલ રાહુલ (12)ની વિકેટ ગુમાવી હતી. પાર્ટટાઇમ બોલર માર્કરમે રાહુલને વિકેટકીપર ડિ'કોકના હાથે કેચ આઉટ કરાવીને આફ્રિકાને પહેલી સફળતા અપાવી હતી. આ પછી અનુભવી શિખર ધવને તેનું ડોમેસ્ટિક ક્રિકેટનું ખરાબ ફોર્મ ભુલીને પૂર્વ કેપ્ટન અને જૂના સાથીદાર વિરાટ કોહલી સાથે મોરચો સંભાળી લીધો હતો. બન્ને વચ્ચે બીજી વિકેટમાં 102 દડામાં 92 રનની આકર્ષક ભાગીદારી થઇ હતી. શિખર ધવન તેની 34મી અર્ધસદી કરીને કેશવ મહારાજના દડામાં 79 રને કલીન બોલ્ડ થયો હતો. તેણે 84 દડાની ઇનિંગમાં 10 ચોક્કા ફટકાર્યાં હતા.
જયારે ખેલાડી તરીકે સાત વર્ષ બાદ મેદાને પડેલા વિરાટ કોહલીએ કેરિયરની 63મી અર્ધસદી કરી હતી. જો કે તે ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં અને સદી કરવામાં અસફળ રહ્યો હતો. તેણે 63 દડામાં 3 ચોકકાથી જવાબદારીભર્યાં 51 રન કર્યાં હતા. આ જોડીના તૂટયા બાદ શ્રેયસ અય્યર (16) અને ઋષભ પંત (17) આઉટ થતાં આફ્રિકાએ મેચ પર પકડ જમાવી હતી. ડેબ્યૂ મેચમાં વૈંકટેશ અય્યર ફકત બે રન જ કરી શકયો હતો. અશ્વિન 7 અને ભુવનેશ્વર 4 રને આઉટ થયા હતા.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer