ગ્રાહકોએ છેક સર્વોચ્ય અદાલત સુધી લડીને મેળવ્યો ન્યાય

પાલઘરના ડેવલપરે બુકિંગ પછી પાંચ વર્ષ ફ્લેટ ન આપ્યા
જેઓના નાણાં ફસાયા હોય તેઓ પાલઘર પોલીસની આર્થિક અપરાધ શાખાનો સંપર્ક કરે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : પાલઘર (પૂર્વ)માં મનોર-માહિમ રોડ ઉપર પૂનમ પાર્ક નામના પ્રોજેક્ટ હેઠળ ગ્રાહકોને 24 માસમાં ફ્લેટ આપવાનું વચન નહીં પાળવા બદલ પોલીસની આર્થિક અપરાધ શાખાએ સુમિત જૈન, સંતોષ રાઉત અને રમેશ મહેતા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંથી ત્રણ આરોપી જામીન ઉપર છૂટયા છે. 
આરોપીઓએ લગભગ 275 જેટલા લોકો પાસે ફ્લેટના બુકિંગ માટે નાણા લીધા હતા. જેઓના નાણાં આ પ્રકલ્પમાં ફસાયા છે. તેઓને શોધીને નિવેદન નોંધવાનું અને આરોપીઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પ્રકલ્પમાં જેઓએ ફ્લેટ બુક કરાવ્યા હોય તેઓ ફરિયાદ કરવા આગળ આવવા પાલઘર પોલીસ તરફથી જાહેર ખબર આપવામાં આવી હતી. આ પ્રકલ્પમાં જેઓના નાણાં ફસાયા હોય તેઓ પાલઘર જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની કચેરીમાં આર્થિક અપરાધ શાખામાંના તપાસ અધિકારી મહેશ ગાવડેનો સંપર્ક સાધી શકે છે. પાલઘર સ્ટેશનથી રીક્ષામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની કચેરીમાં પહોંચી શકાય છે.
ડેવલપરોએ બે વર્ષમાં ફ્લેટ આપવાની ખાતરી આપી હોવા છતાં પાંચ વર્ષમાં તેનું કામ શરૂ કરી શકાયું નહોતું. બાદમાં આ પ્રકરણ પાલઘરની સેશન્સ કોર્ટ, મુંબઈ વડી અદાલત અને પછી છેક સર્વોચ્ય અદાલતમાં પહોંચ્યું હતું. સર્વોચ્ય અદાલતે ગત 16મી ડિસેમ્બરે આરોપીઓને બે અઠવાડિયામાં પોલીસ સમક્ષ શરણે થવાનો આદેશ આપ્યો હતો.
બીલ્ડરએ ફ્લેટ નોંધાવનારા ગ્રાહકો પાસે બુકિંગની રકમ લીધી હતી. બે વર્ષમાં ફ્લેટ આપવાની ખાતરી આપી હોવા છતાં ગ્રાહકો પાંચ વર્ષ સુધી રાહ જોઈ હતી. 
બાદમાં તેઓએ `રેરા' અને ગ્રાહક ફરિયાદ નિવારણ મંચનો આશરો લીધો હતો, પરંતુ તેનાથી કોઈ અર્થ સર્યો નહોતો. આખરે તેઓએ છેક સર્વોચ્ય અદાલત સુધી કાનૂની લડત લડીને ન્યાય મેળવ્યો હતો. 
આ પ્રકલ્પમાં ફ્લેટ નોંધવનારા ગ્રાહકો જણાવ્યું હતું કે, આ પ્રકલ્પ હેઠળની કેટલીક બિલ્ડિંગો થોડી ઘણી તૈયાર છે, પણ તેમાં કેટલીક સુવિધાઓનું કામ પૂર્ણ થયું નથી. તેથી કેટલાંક ગ્રાહકો બુકિંગ સમયે આપવામાં આવેલી રકમ પાછી મળે એવું ઇચ્છે છે.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer