હવે ઈ-ટિકિટ સાથે બેસ્ટ માટે પર્યાવરણને અનુકૂળ આવે એવો રૂટ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ટૂંક સમયમાં મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં બેસ્ટની લાલ બસોમાં પ્રવાસ માટે તમારો મોબાઇલ ફોન બસ ટિકિટ બનશે, એમ બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રે જણાવ્યું હતું.
હાલ તાજેતરમાં દાખલ કરાયેલા `ચલો મોબાઇલ ઍપ'નો ઉપયોગ કરતા પ્રવાસીઓએ અૉનલાઇન ટિકિટ ખરીદવાની રહેશે પરંતુ તેને બસના કન્ડક્ટર દ્વારા માન્ય કરાવવી પડશે જે પેપર ટિકિટ આપશે.
`આગામી થોડા દિવસોમાં અમે મોબાઇલ ઍપ માટે કાગળની ટિકિટો સંપૂર્ણરીતે કાઢી નાખશું, જેઓ ઈ-ટિકિટ ખરીદી રહ્યા છે તેમણે પ્રવાસ દરમિયાન આ ટિકિટને માન્ય કરાવવી પડશે. તેના બદલે કન્ડક્ટર તમારા મોબાઇલ ઍપમાં ઈ-ટિકિટ ઈસ્યુ કરશે. આ ઈ-રશીદ પેપર ટિકિટ જેવી જ હશે', એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પર્યાવરણને અનુકૂળ રહેશે કાગળનો ઓછો વપરાશ થશે અને મુસાફરોને સગવડરૂપ થશે.
બેસ્ટ એક એવી પદ્ધતિ દાખલ કરશે, જેમાં તમે ચલો ઍપ પર એક પોઇન્ટથી બીજા પોઇન્ટ સુધી ટિકિટ બુક કરશો અને એ દિશામાં જતા કોઈ પણ રૂટની બસમાં ચડી શકશો. હાલ ટિકિટ બુક કરાવતી વખતે રૂટ નંબરનો ઉલ્લેખ કરવો પડતો હોય છે. નજીકના ભવિષ્યમાં અમે અમારી ઍપમાં સુધારો કરશું, જેમાં પ્રવાસીએ રૂટનો નંબર આપવો નહીં પડે પરંતુ એજ રૂટ પરની કોઈ પણ બસમાં ચડી શકશે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer