હજુ એક મહિનો સાવધ રહેવા નિષ્ણાતોની સલાહ
નવી દિલ્હી, તા. 19 : દેશમાં ઓમિક્રોન સંક્રમણને લઈને રાહતના અહેવાલ સામેઁ આવ્યા છે. હેલ્થ એક્સપર્ટના દાવા પ્રમાણે ભારતમાં ફેબ્રુઆરીના મધ્યમાં ત્રીજી લહેર પીક ઉપર પહોંચી જશે અને આ સાથે જ ત્રીજી લહેરનો અંત થવાની સંભાવના છે. કોવિડ-19 મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીના કહેવા પ્રમાણે મુંબઈ અને દિલ્હી બન્ને શહેરમાં ઓમિક્રોનનું સંક્રમણ દક્ષિણ આફ્રિકન પેટર્નની જેમ ફેલાયું છે.
શશાંકે કહ્યું હતું કે, આ ખૂબ ઝડપથી આવેલી વિસ્ફોટક લહેર છે અને જેટલી ઝડપી આવી છે તેટલી જ ઝડપથી ખતમ થશે. ઓમિક્રોનના મામલા મુંબઈમાં પહેલા જ પીક પાર કરી ગયા છે. આ સંક્રમણ પૂરા મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરી પહેલા જ પીક ઉપર પહોંચી ગયું છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એન્ડોક્રિનોલોજીસ્ટ જોશીએ કહ્યું હતું કે, ભારતના મોટાભાગના વિસ્તારમાં ઓમિક્રોનના મામલા પહેલીથી 15 ફેબ્રુઆરી સુધી પીક ઉપર પહોંચી શકે છે. માર્ચમાં કેસ ઘટી જશે અને આશા છે કે એપ્રિલ બાદ ભારત અને મહામારીના કારણે આવી રહેલી પરેશાનીઓથી મુક્ત થવાની સંભાવના છે.
ભારતીય વિજ્ઞાન સંસ્થાન અને ભારતીય સાંખ્યિકી સંસ્થાનના શોધકર્તાઓએ અનુમાનોમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરીના શરૂઆતમાં એક દિવસમાં 10 લાખથી વધારે કોરોના કેસ જોવા મળે તેવી સંભાવના છે. આ સમયે જ લહેર પીક ઉપર જોવા મળી રહી છે. વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમિક્રોનની લહેર પીક ઉપર પહોંચતા રોજના 10 લાખ કેસ સામે આવી શકે છે.
Published on: Thu, 20 Jan 2022