24 નગર પંચાયતોમાં 384 બેઠકો જીતી ભાજપ સહુથી મોટા પક્ષ તરીકે ઉપસ્યો

24 નગર પંચાયતોમાં 384 બેઠકો જીતી ભાજપ સહુથી મોટા પક્ષ તરીકે ઉપસ્યો
રાષ્ટ્રવાદીને 378, શિવસેનાને 301 અને કૉંગ્રેસને 297 બેઠકો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.19 : મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નગર પંચાયતો અને જિલ્લા પરિષદોની ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લામાં છેલ્લા આંકડા અનુસાર 106માંથી 97 નગરપંચાયતોના રિઝલ્ટ મળ્યા હતા. નવ નગર પંચાયતોના રિઝલ્ટની જાહેરાત ગુરુવારે (આજે) થશે. 
આ ચૂંટણીમા ભાજપે 24 નગર પંચાયતો જીતી કુલ 384 બેઠકો મેળવી છે. 2017મા ભાજપના નગર પંચાયતોમાં 344 સદસ્યો હતા. 
એ સિવાય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષને 378, શિવસેનાને 301 અને કોંગ્રેસને 297 બેઠકો મળી છે. કુલ 1802 સીટ્સ માટે ચૂંટણી થઈ હતી. વાસ્તવમાં મહાવિકાસ આઘાડી મોરચાના ત્રણે પક્ષો (શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ)ને કુલ 976 સીટ મળી છે. આઘાડીનો 57 નગર પંચયતોમાં વિજય થયો છે. રાષ્ટ્રવાદીને 25 નગરપંચાયતોમાં જીત મળી છે.
26 માસથી સતા નહી હોવા છતાં મોટા સંખ્યામાં બેઠકો : ભાજપ
મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે બુધવારે એવો દાવો કર્યો હતો કે અમારો પક્ષ રાજ્યમાં સૌથી મોટા મોટા પક્ષ તરીકે ઉપસી આવ્યો છે અને 24 નગર પંચાયતોનું નેતૃત્વ કરે એવી સંભાવના છે. બીજા છ નગરોનું નેતૃત્વ કરવા અમને અમુક નગરસેવકોના ટેકાની જરૂર પડશે. 
પત્રકારો સાથે સંવાદ કરતાં પાટીલે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી 106 નગર પંચાયતોની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધી 400થી વધુ સીટો પર વિજય મળવ્યો છે. 
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અમે 26 મહિનાથી રાજ્યમાં સત્તા પર નથી છતાં અમે આટલી સીટો જીતીને બતાવી છે. આ એ બતાવે છે કે અમારા પક્ષના કાર્યકરોનું નેટવર્ક સરકાર કે પછી કોઈ સાધનોના ટેકા વગર ધાર્યું પરિણામ લાવી શકે છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનું પદ શિવસેના પાસે છે અને આ ચૂંટણીમાં શિવસેના માંડમાંડ ત્રીજા કે ચોથા નંબરે આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે પોતાને મળેલા મુખ્ય પ્રધાન પદથી સંતુષ્ટ થઈ ગયા છે. તેમને તેમના પક્ષ કે નેતાઓની પરવા નથી. શિવસેનાની વગ રાજ્યમાં ઓછી થતી જાય છે અને એનો લાભ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષને મળ્યો છે. 
ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે ત્રણ પક્ષના બનેલા મહાવિકાસ આઘાડીના નેતાઓમાં અસંતોષ હવે સ્પષ્ટ દેખાય છે અને આ અસંતોષને કારણે તેમનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરાભવ થયો છે. આનો થોડોગણો લાભ ભાજપને થયો છે. આવતા બે મહિનામાં 282 સ્થાનિક સંસ્થાઓ અને 20 સુધરાઈની જે ચૂંટણી થવાની છે એ પહેલા દરેક જિલ્લામાં અમારો પક્ષ બેઠકો કરશે. 
બીડ જિલ્લાના ભાજપનાં નેતા અને રાજ્યના માજી પ્રધાન પંકજા મુંડેએ કહ્યું હતું કે ઓબીસી ક્વોટાના મુદ્દે રાજ્ય સરકારના અસ્થિર વલણથી લોકો નારાજ થયા હતા. ત્રણે સત્તાધારી પક્ષોએ ઓબીસી માટે મજબૂત વલણ લીધું નહોતું. ઓબીસી માટે સત્તાવાર કોઈ બેઠકો ન હોવાછતાં ભાજપે ઓબીસી ઉમેદવારોને ટિકિટો આપી હતી અને એનો અમને ચૂંટણીમાં લાભ થયો હતો.
કૉંગ્રેસે નાંદેડમાં ત્રણ નગર પંચાયતની મોટા ભાગની બેઠકો જીતી
કૉંગ્રેસે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ત્રણ નગર પંચાયતોની મોટા ભાગની બેઠકો જીતી લીધી હતી અને લાતુર જિલ્લામાં ચાર નગર પંચાયતો પર સૌથી વધુ બેઠકો મેળવી હતી. પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા.
ગત છઠ્ઠી ડિસેમ્બરના સુપ્રીમ કોર્ટે ઓબીસી માટેની અનામત બેઠકો પર મહારાષ્ટ્રમાં સ્થાનિક નિગમોની ચૂંટણીઓ પર વધુ હુકમ ન મળે ત્યાં સુધી સ્ટે મૂક્યો હતો.
ત્યારબાદ સર્વોચ્ય અદાલતે સ્થાનીય નિગમોમાં અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી) માટે અનામત રખાયેલી 27 ટકા બેઠકોને જનરલ કેટેગરીમાં મૂકવા રાખી ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો, જેથી ચૂંટણી પ્રક્રિયાને આગળ વધારી શકાય.
નાંદેડની નાયગાંવ નગર પંચાયતમાં કૉંગ્રેસ 17, બેઠકો જીતી હતી. ભાજપે દાંદેડ અને લાતુરમાં અનુક્રમે 3 અને 14 બેઠકો જીતી હતી.
નાંદેડમાં માહુર, અર્ધાપુર અને નાયગાંવની ત્રણ નગર પંચાયતોમાં 51 બેઠકો પર મતદાન થયું હતું.
નાયગાંવમાં 17, અર્ધાપુરમાં 10 બેઠકો જીતતા કૉંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી હતી.
અર્ધાપુરમાં ભાજપને બે બેઠકો મળી હતી.
લાતુરમાં 68 બેઠકો પર મતદાન થયું હતું.
લાતુરમાં ભાજપ અને એનસીપી પ્રત્યેકને 14 બેઠકો મળી હતી કૉંગ્રેસને સૌથી વધુ 23 જ્યારે શિવસેના અને પ્રહારને પ્રત્યેકને છ બેઠકો મળી હતી. ચાર બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer