સંશોધનમાં બૂસ્ટર ડૉઝની ભલામણ
નવી દિલ્હી, તા. 19 : દેશમાં અત્યારે કોરોના અને ઓમિક્રોન બંનેનો ફેલાવો વધી રહ્યો છે અને સરકાર રસીકરણ પર જોર આપી રહી છે ત્યારે કોરોના રસી લીધા બાદ ઉત્પન્ન થતી ઈમ્યુનિટી વિશે એક અહેવાલ સામે આવ્યો છે. આ સંશોધન અનુસાર 10માંથી ત્રણ લોકોમાં રસીથી બનેલી ઈમ્યુનિટીની અસર છ મહિના બાદ જ સમાપ્ત થઈ જાય છે.
હૈદરાબાદ સ્થિત એઆઈજી હોસ્પિટલ અને એશિયન હેલ્થકેરે સાથે મળીને રસીની ઈમ્યુનિટીની અસર અંગે એક સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધનમાં 1636 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ એવા લોકો હતા જેમણે રસીના બંને ડોઝ લીધા હતા.
એઆઈજી હોસ્પિટલના અધ્યક્ષ ડો. નાગેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ સંશોધનનો હેતુ રસીથી બનેલી ઈમ્યુનિટીની અસરને તપાસવાનો હતો. આ સાથે જ એ પણ જાણવાનું હતું કે, કઈ વસ્તીને બૂસ્ટર ડોઝની જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં કોરોના સામેની એન્ટિબોડીના સ્તરને માપવામાં આવ્યું હતું. જે લોકોમાં એન્ટિબોડીનું સ્તર 15 એયુ/એમએલ હશે તેમનામાં ઈમ્યુનિટી સમાપ્ત થઈ ગઈ. આ ઉપરાંત એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જે લોકોમાં એન્ટિબોડીનું સ્તર 100 એયુ/એમએલ હશે તેમનામાં હજુ પણ ઈમ્યુનિટી છે. તેમણે કહ્યું કે, કોરોના વિરુદ્ધ એન્ટિબોડીનું સ્તર ઓછામાં ઓછું 100 એયુ/એમએલ હોવું જોઈએ. તેનાથી ઓછું હોય તો તેનો સંક્રમિત થવાનો ખતરો વધુ છે.
Published on: Thu, 20 Jan 2022
રસીની પ્રતિકારકતા છ મહિના બાદ પૂરી
