26મીએ ઇન્ડિયા ગેટ પાસે કાર બૉમ્બ હુમલાની ભીતિ

26મીએ ઇન્ડિયા ગેટ પાસે કાર બૉમ્બ હુમલાની ભીતિ
દિલ્હીમાં ગુપ્તચર તંત્રનું ઍલર્ટ
નવી દિલ્હી, તા.19: ગણતંત્ર દિન એટલે કે 26મી જાન્યુઆરીના પર્વે આતંકવાદીઓ દિલ્હીમાં મોટા હુમલાનાં ષડયંત્રને અંજામ આપે તેવી ભીતિ છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો(આઇબી)એ દિલ્હી પોલીસને આપેલી ચેતવણી મુજબ પ્રજાસત્તાક પર્વે આતંકવાદીઓ દેશનાં શીર્ષ નેતાઓ સહિત વીઆઇપીને નિશાન બનાવી શકે છે.
આઇબીની બાતમી મુજબ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે) 26મીએ મોટા હુમલાની ફિરાકમાં છે. તે કારમાં વિસ્ફોટક રાખીને ઇન્ડિયા ગેટ અને લાલકિલ્લા આસપાસ હુમલો કરી શકે છે. આ ઉપરાંત એસએફજે ગત વર્ષની માફક આ વર્ષે પણ લાલકિલ્લા ઉપર ધાર્મિક ઝંડો ફરકાવવાની હરકતનું પુનરાવર્તન કરી શકે છે. 
આઇબીના કહેવા અનુસાર આતંકીઓ પાકિસ્તાનમાંથી વિસ્ફોટકો ભારતમાં ઘૂસાડી ચૂક્યા છે. ગાઝીપુર મંડીમાં મળેલો આઇઇડી બોમ્બ વિસ્ફોટકની તે ખેપનો જ એક હિસ્સો હતો. જે પ્રકારે જમ્મુ એરપોર્ટ ઉપર ડ્રોનથી હુમલો થયો હતો તેની તર્જ ઉપર જ દિલ્હીમાં પણ હુમલો થઈ શકે છે. ડ્રોનથી ગણતંત્ર દિવસની પરેડના માર્ગમાં આગળ કે પાછળ હુમલો કરવામાં આવે તેવી આશંકા પણ છે.
સીઆરપીએફ મુખ્યાલયમાં બૉમ્બની અફવા
પ્રજાસત્તાક દિવસને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બુધવારે સાંજે નવી દિલ્હીસ્થિત સીઆરપીએફ મુખ્યાલયમાં બૉમ્બ મૂકાયાની સૂચના મળ્યા બાદ દોડાદોડી મચી ગઇ હતી. આ સૂચનાને પોલીસે બનાવટી કોલ ગણાવ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસદળના નવી દિલ્હીસ્થિત મુખ્યાલયમાં બુધવારે સાંજે કોઈએ ફોન કરી બૉમ્બ મૂકાયાની જાણકારી આપી હતી. ત્યારબાદ અફરાતફરી મચી હતી. મુખ્યાલયની સઘન તપાસ બાદ કઇપણ ન મળતાં પોલીસે આ ફોનને બનાવટી ફોન ગણાવ્યો હતો. પોલીસે ફોન કરીને જાણકારી આપનારની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે પાંચ દિવસ પહેલા દિલ્હીના ગાઝિપુર ફૂલ બજારમાંથી બૉમ્બ મળી આવ્યો હતો.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer