મહારાષ્ટ્રના ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત
મુંબઈ, તા. 13 : સ્ટેટ ઈલેકશન કમિશન (એસઈસી) એટલે કે મહારાષ્ટ્રના ચૂંટણી પંચે રાજ્યની શહેરી સ્થાનિક નિગમોની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત માટે સપ્ટેમ્બર સુધીનો સમય આપવાની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. જેથી આ પ્રક્રિયા અૉક્ટોબર સુધીમાં પૂરી કરી શકાય અને અૉક્ટોબરમાં ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી યોજી શકાય જેથી નવેમ્બરમાં નવી પંચાયતોની રચના કરી શકાય. સર્વોચ્ચ અદાલતમાં આ અંગેની સુનાવણી આવતા મંગળવારે થાય એવી સંભાવના છે.
રાજ્યના ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે તેના 4 મેના હુકમ બાદ તેણે રાજ્યના તમામ 2486 સ્થાનિક નિગમોની ચૂંટણી પ્રક્રિયા ફરીથી શરૂ કરી દીધી છે. તેણે કોર્ટને જણાવ્યું હતું કે મતદારોની મોટી સંખ્યા (અંદાજે 80 ટકા મતદારો મત આપવા માટેની પાત્રતા ધરાવે છે) ને જોતા છ સપ્તાહમાં બેથી ત્રણ તબક્કામાં મતદાનની સમગ્ર પ્રક્રિયાને વહેંચી દેવી જોઈએ.
`મર્યાદિત ઈવીએમ મશીનો ઉપલબ્ધ હોવાથી ચૂંટણી માટે એ જ અધિકારીઓની જરૂર પડશે. એક તબક્કા માટે વપરાયેલા ઈવીએમ મશીનોને અન્ય તબક્કા માટે પણ વાપરવા પડશે,'
એમ ચૂંટણી પંચે તેની અરજીમાં જણાવ્યું હતું.
આ અરજી મુજબ 14 મ્યુનિસિપલ કોર્પોરેશનોના વૉર્ડની રચનાની પ્રક્રિયા 17 મે સુધીમાં પૂરી થશે અને વૉર્ડ પ્રમાણે મતદારોની યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા 30 જૂન સુધીમાં પૂરી થશે.
Published on: Sat, 14 May 2022