મથુરા ઈદગાહમાં સર્વેની માગણીની અરજી કોર્ટે સ્વીકારી
વારાણસી, તા. 13 : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે સર્વે પહેલાંની તમામ તૈયારી પૂરી થઈ ગઈ છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ કૉરિડૉરની સુરક્ષા જડબેસલાખ બનાવાઈ છે. જ્ઞાનવાપીનો સર્વે શરૂ થાય એ પહેલા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શુક્રવારે રાત્રે કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા અને અને બાબા વિશ્વનાથની પૂજા-અર્ચના કરી હતી. યોગીએ કાશી જવા પૂર્વે આજે અધિકારીઓ સાથે કાયદો-વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન, સર્વે પર રોક લગાવવા મુસ્લિમ પક્ષે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટ નકારી દીધી હોવાથી આવતી કાલથી નિયત સમય મુજબ વીડિયોગ્રાફી સાથે સર્વે શરૂ કરાશે. જ્ઞાનવાપીની જેમ મથુરા ખાતે શ્રીકૃષ્ણ જન્મભૂમિને અડીને આવેલી ઈદગાહ મસ્જિદમાં પણ સર્વે કરાવવાની માગણી મથુરા કોર્ટે સ્વીકારી છે અને એની વધુ સુનાવણી પહેલી જુલાઈએ હાથ ધરાશે.
મુસ્લિમ પક્ષ સાથે યોજાઈ બેઠક
જ્ઞાનવાપી મસ્જિદમાં કમિશનની કાર્યવાહીમાં સહયોગ આપવાનો કોર્ટ દ્વારા અપાયેલા આદેશ બાદ 14 મેથી સર્વેનું કામ શરૂ થશે. હકીકતમાં સર્વે અંગે આજે વારાણસીના ડીએમ અને પોલીસ કમિશનર સાથે કોર્ટ કમિશનર, હિન્દુ અને મુસ્લિમ પક્ષ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી થયું હતું કે શનિવારથી સર્વેનું કામ શરૂ કરાશે. એ સાથે ઇતજામિયા મસાજિદ કમિટીએ તમામ પ્રકારનો સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતું.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે બાદ હવે શ્રીકૃષ્ણ જન્મભૂમિને અડીને આવેલી ઈદગાહ મસ્જિદનો પણ કોર્ટ કમિશનર દ્વારા સર્વે કરવાની માગણી બળવત્તર બની છે. આ અંગે મથુરા કોર્ટમાં કરાયેલી અરજીને કોર્ટે સ્વીકારી છે અને એની વધુ સુનાવણી પહેલી જુલાઈથી હાથ ધરાશે.
હકીકતમાં મનીષ યાદવ, મહેન્દ્ર પ્રતાપ સિંહ અને દિનેશ શર્માએ અલગ-અલગ એક જ પ્રકારની અરજી કરી હતી, જેમાં કોર્ટ કમિશનર નિયુક્ત કરી ઈદગાહ મસ્જિદની વીડિયોગ્રાફી કરાવવાની માગણી કરવામાં આવી હતી. આ અરજીઓને કોર્ટે સ્વીકારી છે અને તમામ વાદીઓની અરજીની સુનાવણી પહેલી જુલાઈએ હાથ ધરાશે.
Published on: Sat, 14 May 2022
આજથી જ્ઞાનવાપીનો સર્વે : યોગી પહોંચ્યા વારાણસી
