પંજાબ નેશનલ બૅન્ક એનપીએને બેડ બૅન્કમાં ટ્રાન્સફર કરશે

પંજાબ નેશનલ બૅન્ક એનપીએને  બેડ બૅન્કમાં ટ્રાન્સફર કરશે
મુંબઈ, તા. 22 : દેશની બીજી સૌથી મોટી જાહેરક્ષેત્રની બૅન્ક પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી) એનબીએફસી ઉપરાંત સ્ટીલ, રોડ અને સિમેન્ટ ક્ષેત્રોમાં જોવા મળેલી ધિરાણની મજબૂત માંગને કારણે વર્ષ 2022-23માં એકંદરે 10 ટકા ધિરાણ વૃદ્ધિની અપેક્ષા રાખે છે. વર્ષ 2021-22માં જોવા મળેલી છ ટકાની કુલ ધિરાણ વૃદ્ધિ કરતાં આ ઘણી વધુ છે.  
મૅનાજિંગ ડિરેક્ટર અને સીઈઓ અતુલકુમાર ગોયલે કહ્યું કે, અમે 2022-23ને ભારતીય અર્થતંત્ર માટે ખૂબ સારા વર્ષ તરીકે જોઈએ છીએ. અમે મહામારી પહેલાંની માંગના સ્તરે પહોંચી ગયા છીએ. પીએનબી માટે ટ્રેઝરી આવક મેળવવાનો અવકાશ આ વર્ષમાં ઘણો સારો છે અને તેથી બિઝનેસના વોલ્યુમમાં નોંધપાત્ર વૃદ્ધિની ધારણા છે. 
માર્ચ, 2022ના પૂરાં થયેલા ચોથા ત્રિમાસિકમાં પીએનબી એસ્ટેન્ડ અલોન ધોરણે રૂ. 202  (રૂ. 586) કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. સમગ્ર નાણાં વર્ષ માટે બૅન્કનો ચોખ્ખો નફો વધીને રૂ. 3,456  (રૂ. 2,022) કરોડનો થયો હતો. આઠ વર્ષના અંતરાળ પછી, પીએનબી 32 ટકાના ડિવિડન્ડની જાહેરાત સાથે ડિવિડન્ડની યાદીમાં પાછી આવી છે. 
ગોયલે કહ્યું કે, આ વર્ષ દરમિયાન બૅન્ક અૉપરાટિંગ નફામાં 15 ટકા વૃદ્ધિની આશા રાખે છે.  વર્ષ 2022-23 માટે વ્યાજનો ચોખ્ખો ગાળો ત્રણ ટકા થવાની ધારણા છે, જે 2021-22માં 2.79 ટકા હતો. 
ગોયલે કહ્યું કે, પીએનબી રૂ. 8,000 કરોડના મૂલ્યની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ને નવી રચાવેલી નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ. (એનએઆરસીએલ) જેને સામાન્ય રીતે બેડ બૅન્ક તરીકે ઓળખવામાં આવે છે તેમાં તબક્કાવાર ધોરણે ટ્રાન્સફર કરશે. પ્રથમ તબક્કામાં જૂનના અંત સુધીમાં રૂ. 2,700 કરોડની બેડ લોન ટ્રાન્સફર કરવામાં આવશે. બૅન્કે આ બેડ લોન માટે પહેલેથી જ 100 ટકા જોગવાઈઓ કરી છે. તેમણે કહ્યું કે પીએનબી આ વર્ષમાં ધિરાણની ગુણવત્તા, કાસામાં સુધારો, એનપીએ રિકવરી અને સ્લિપેજના નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ  વર્ષમાં એનપીએની કુલ ટકાવારીનું સ્તર હાલના 11.78 ટકાથી ઘટાડીને એક અંકમાં લાવવા માટે આશાવાદી છે. 
ગોયલે કહ્યું કે બૅન્ક આ વર્ષમાં યુટીઆઈ એસેટ મૅનેજમેન્ટ કંપની અને કેનેરા એચએસબીસી ઓરિએન્ટલ બૅન્ક ઓફ કોમર્સ લાઇફ ઇન્સ્યોરન્સમાં હિસ્સો ઓછો કરશે. તે તેની હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના રાઇટ ઇસ્યુમાં પણ ભાગ લેશે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer