રાજ્યસભાની છઠ્ઠી સીટના શિવસેનાના ઉમેદવારને અમારો ટેકો : શરદ પવાર

અમારા પ્રતિનિધિ તરફથી 
પુણે, તા. 22 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના ચીફ શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની જે છ બેઠક માટે ચૂંટણી થવાની છે એમાં મારો પક્ષ શિવસેનાના સંભાજીરાજે છત્રપતિને કે પછી જે કોઈ ઉમેદવારને એ પસંદ કરશે એને ટેકો આપશે. 
પુણેમાં શનિવારે બ્રાહ્મણ સમાજના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ પવાર પત્રકારો સાથે સંવાદ કરી રહ્યા હતા. 
રાજ્યસભાના મહારાષ્ટ્રમાંથી ચૂંટાયેલા છ સાસંદ પીયૂષ ગોયલ, વિનય સહસ્રબુદ્ધે, વિકાસ મહાત્મે (ત્રણે ભાજપ), પી. ચિદમ્બરમ (કૉંગ્રેસ), પ્રફુલ પટેલ (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) અને સંજય રાઉત (શિવસેના)ની મુદત ચાર જુલાઈના પૂરી થઈ રહી છે. ચૂંટણી 10 જૂનના યોજાશે. ભાજપના વિધાનસભ્યોની સંખ્યા જોતાં એ બે સીટ જીતી શકે છે જ્યારે શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ એક-એક સીટ જીતી શકે છે. એટલે ખરેખરો જંગ તો છઠ્ઠી સીટ માટે થવાનો છે. 
છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને કોલ્હાપુર રાજવી પરિવારના સંભાજીરાજેને રાજ્યસભામાં રાષ્ટ્રતિએ નોમિનેટ કર્યા છે. જોકે, તાજેતરમાં તેમણે રાજ્યસભાની અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને તમામ પક્ષોને ટેકો આપવાની અપીલ કરી હતી. 
પત્રકારોના સવાલના જવાબ આપતાં પવારે કહ્યું હતું કે બે વર્ષ પહેલાં અમે રાજ્યસભાની બે બેઠકની માગણી કરેલી અને એ અમને મળી હતી. જોકે, આ વખતે અમને એક જ સીટ મળશે. અમારા ઉમેદવારને મત આપ્યા બાદ અમારી પાસે શિવસેનાના છઠ્ઠી સીટ માટેના ઉમેદવારને આપવા માટે મત બાકી હશે. શિવસેના સંભાજીરાજે કે પછી અન્ય કોઈ ઉમેદવારને આ સીટ પર ઊભો રાખી શકે છે.
સંભાજી રાજે શિવસેનામાં જોડાશે?
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ સીટ માટેની ચૂંટણી 10 જૂને યોજાવવાની છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંભાજી રાજેને શિવસેના વતી છઠ્ઠી સીટ માટે ઉમેદવારી પત્ર ભરવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. સંભાજી રાજે મરાઠા નરેશ છત્રપતિ શિવાજી મહારાજના 13માં વંશજ છે. 
ગુરુવારે બન્ને નેતા વચ્ચે રાજ્યસભાની બેઠકના મદ્દે માતોશ્રીમાં ગુફ્તેગુ થઈ હતી. એ પહેલા સંભાજી રાજેએ રાજ્યસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડવાની જાહેરાત કરી તમામ પક્ષનો ટેકો માગ્યો હતો. શિવસેનાનું એક પ્રતિનિધિમંડળ સંભાજી રાજેને મળવા ટ્રાયડન્ટ હૉટેલમાં મળવા પણ ગયું હતું. એ પછી ઉદ્ધવ ઠાકરેએ સંભાજી રાજેને ખાસ સંદેશ પણ મોકલાવ્યો હતો. 
ઉદ્ધવે આ મેસેજમાં સંભાજી રાજેને સોમવારે બપોરે બાર વાગે માતોશ્રીમાં પધારી શિવસેનામાં જોડાવવાનું નિમંત્રણ આપ્યું હતું. રાજ્યસભામાં જવું હોય તો શિવસેનામાં પ્રવેશ કરવો પડશે એવી શરત શિવસેનાએ મૂકી છે. હવે સંભાજીરાવ રાજે આ શરત સ્વીકારે છે કે કેમ એ જોવાનું રહે છે. 
શિવસેનાનું જે પ્રતિનિધિમંડળ ટ્રાયડન્ટ હૉટેલમાં સંભાજી રાજેને મળ્યું હતું એમાં અનિલ દેસાઈ, ઉદય સામંત, મિલિન્દ નાર્વેકરનો સમાવેશ હતો. તેમણે રાજ્યસભાની છઠ્ઠી સીટ વિશે સંભાજી રાજે વિશે લગભગ પોણો કલાક ચર્ચા કરી હતી. જોકે, સંભાજી રાજેનું પહેલા કહેવું હતું કે, મને શિવસેનાનો નહીં, પણ મહાવિકાસ આઘાડીનો ઉમેદવાર બનાવો. જોકે, પછી તેમણે શિવસેનાની ઉમેદવારી સ્વીકારવાની તૈયારી બતાવી હતી. હવે તેઓ શિવસેનામાં જોડાય છે કે કેમ એ જોવાનું રહે છે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer