મુંબઈ, તા. 22 : મુંબઈ પાલિકાએ શહેર તથા ઉપનગરમાં આવેલી નદીઓની ફરતે સુરક્ષા દિવાલ બાંધવાનો નિર્ણય લીધો છે. આ દિવાલને કારણે ચોમાસામાં પડતા મુશળધાર વરસાદને શહેરમાં આવતા રોકી શકાશે. આ પ્રકલ્પ હેઠળ કાંદિવલી પશ્ચિમમાં લાલજી પાડા વિસ્તારમાં આવેલી પોઇસર નદીના કિનારા પાસેના 16 અતિક્રમણોને શુક્રવારે તોડી પાડવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં અન્ય અતિક્રમણોને જમીનદોસ્ત કરી અહીં ચોમાસા પૂર્વે સુરક્ષા દિવાલ ઊભી કરવાની પાલિકાની યોજના છે. મુંબઈમાં પોઇસર, ઓશિવરા, મીઠી, વાલભઠ્ઠી નદીઓ આવેલી છે. વર્ષ 2006માં થયેલી અતિવૃષ્ટિમાં મીઠી નદીમાં પૂર આવ્યા હતા અને વિનાશ સર્જાયો હતો. તેથી પાલિકાએ હવે નદીના કિનારાની ફરતે સુરક્ષા દિવાલ બાંધવાનો નિર્ણય લીધો છે. આ પ્રકલ્પ હેઠળ કાંદિવલી પશ્ચિમ સ્થિત પોઇસર નદીની આસપાસ 130થી વધુ અતિક્રમણોમાં પહેલા તબક્કામાં 29 અતિક્રમણો હટાવવાના હતા, જેમાંથી 16 અતિક્રમણો શુક્રવારે જમીનદોસ્ત કરી દેવાયા છે. બાકીના અતિક્રમણો પણ વહેલી તકે હટાવી દેવાશે અને દિવાલનું કામ ચોમાસા પૂર્વે પૂર્ણ કરી લેવાનું લક્ષ્યાંક હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.
Published on: Mon, 23 May 2022