દેશમાં રોજિંદી વસ્તુઓની કિંમતમાં પણ દસ ટકાનો ઘટાડો થવો જોઇએ : કૈટ

મુંબઈ, તા. 22 : કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં એકસાઇઝ ડયુટી ઓછી થયા બાદ કન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહાનગર મુંબઈના અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, નાગરિકો ઉપર મોંઘવારીના મારને ઓછો કરવાની દિશામાં સરકાર દ્વારા આ મોટી રાહત આપવામાં આવી છે. આ છૂટથી દરરોજ ઉપયોગમાં લેવાતી સામગ્રી વસ્તુઓની કિંમતોમાં લગભગ દસ ટકાનો ઘટાડો થશે. તમામ સામગ્રી અને વસ્તુઓની ભાવમાં ઘટાડો નોંધાય એવી શકયતા છે. કૈટે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું અનુસરણ કરી તમામ રાજ્યોએ વૈટની કિંમતોમાં ઘટાડો કરવો જોઇએ અને નાગરિકોને રાહત આપવી જોઇએ. ઠક્કરે જણાવ્યું હતું કે દેશમાં તમામ સામાનોનું 80 ટકા પરિવહન રોડ માર્ગે થાય છે. કેન્દ્ર સરકારે દસ ટકા પેટ્રોલ ઉપર અને આઠ ટકા ડિઝલ ઉપરની એકસાઇઝ ડયૂટીમાં ઘટાડો કર્યા બાદ તમામ વસ્તુઓની કિંમતોના ભાવ ઘટવા જોઇએ અને તેનો સીધો લાભ નાગરિકોને થવો જોઇએ. કૈટના મહાનગર મહામંત્રી તરૂણ જૈને જણાવ્યું હતું કે સરકારે દરરોજ ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ બનાવતા ઉત્પાદકોને નિર્દેશ આપવા જોઇએ કે વસ્તુઓની કિંમતોમાં પણ તે રીતે ઘટાડો કરે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer