ટીબીના ઝડપી નિદાન માટે એઆઈનો ઉપયોગ કરવા પાલિકાએ લીધો નિર્ણય

મુંબઈ, તા. 22 : પાલિકાએ કોવિડ મહામારી દરમિયાન સાર્સ કોવી-ટુ વાયરસની ભાળ મેળવવા આધુનિક તબીબી સાધન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કર્યો હતો અને હવે વિશ્વની જૂની બીમારી ટયુબરક્યુસોલીસ (ટીબી) અથવા તો ક્ષયરોગ સામે લડવા ફરી એકવાર એઆઈનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. દર્દીમાં ટીબીનું ત્રણ મિનિટમાં નિદાન કરતા ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને 14,000 લોકોના છાતીના એક્સરે લેવામાં આવ્યા હતા.
બીએમસીનાં કાર્યવાહક આરોગ્ય અધિકારી ડૉ. મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે એઆઈ ઘણી રીતે  ફાયદાકારક છે. કારણ કે તે આપણને ત્રણ મિનિટમાં જ બતાવી દે છે કે એક્સરે સ્કેન નોર્મલ છે કે નહિ. ટીબીના શકમંદ દર્દીઓને તરત જ ઓળખી કાઢવામાં આવે છે અને તરત જ તેમની સારવાર ચાલુ કરી શકાય છે. બીએમસી સાથે કામ કરતી એઆઈ કંપની ક્યોર.એઆઈના સ્થાપક પ્રશાંત બોરીઅરે જણાવ્યું હતું કે `એઆઈ આધારિત ક્રીનિંગમાં ટીબીના ઘણા કેસ અચાનક ધ્યાનમાં આવી ગયા છે જે નહિ તો છૂટી ગયા હોત. બીજા શબ્દોમાં કહીએ તો અન્ય સમસ્યા માટે એક્સરે કઢાવનારા દર્દીઓમાં ટીબીનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, વોરીઅરે જણાવ્યું હતું કે મુંબઈમાં ટીબીના 20થી 30 ટકા દર્દીઓ આમ અચાનક મળી આવ્યા હતા.
એઆઈ તબીબી ક્ષેત્રમાં રોબોટિક સર્જરી, તેમ જ દર્દી અને ડૉક્ટર વચ્ચેના પરોક્ષ સંપર્કના રૂપમાં થોડાં વર્ષોથી અસ્તિત્વમાં આવી છે, પરંતુ કોવિડની મહામારીએ એઆઈને જાહેર આરોગ્ય ક્ષેત્રેમાં પ્રસ્થાપિત કરી દીધી છે.
માર્ચ 2020માં જ્યારે કોવિડ મહામારીનો પ્રારંભ થયો ત્યારે બીએમસીએ કોવિડ કેન્દ્રો સહિત 15 સ્થળો ખાતે ક્યોર.એઆઈ સોફ્ટવેર ગોઠવી દીધું હતું ત્યારે આરટી-પીસીઆર કિટ્સ સરળતાથી મળતી નહોતી. એટલે ડૉક્ટરોએ એઆઈ આધારિત એક્સરે પર નિર્ભર રહેવું પડતું હતું.
સેન્ટ્રલ ટીબી ડિવિઝને દર એક લાખની વસ્તી માટે ટીબીના 3500 સંભવિત શંકાસ્પદોનું ક્રીનિંગ કરવાનું જિલ્લા વહીવટી તંત્રોને જણાવ્યું છે. ફેફસાંના આરોગ્યની ચકાસણી કરવા 50 દેશોમાં આ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પ્રશાંત વોરીઅરે જણાવ્યું હતું. ટીબી, કોવિડ અને કૅન્સર સહિતની બીમારીઓમાં થોડી મિનિટોમાં જ 30 જેટલી આરોગ્યને લગતી અસાધારણ બાબતોને સ્કેન કરી શકાય છે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer