મોબાઈલ ઉપર જોવા મળશે કૉલરનું કેવાયસી નામ

`ટ્રાઇ' તૈયાર કરી રહ્યું છે મેકેનિઝમ
મુંબઈ, તા. 22 : મોબાઇલ ફોનમાં કોઇપણ એપ વિના ટૂંક સમયમાં ફોન કરનારનું કેવાયસીમાં નોંધાયેલું નામ જોવા મળશે. ટેલિકોમ સેવાઓનું નિયમન રેગ્યુલેટર ટ્રાઇ આ બાબતે મેકેનિઝમ તૈયાર કરવા અંગેનું વિચારી રહી છે. આ સુવિધાને પગલે બનાવટી નામથી આવતા ફોન કૉલર તેમ જ ઠગાઇ ઉપર લગામ ખેંચાશે. તેમ જ વિનાકારણે હેરાન કરતા સ્પેમ કોલથી પણ નાગરિકોને મુકિત મળશે. હાલ જે કોઇપણ કોલ કરે છે તેનો માત્ર નંબર મોબાઇલ ઉપર ડિસપ્લે થાય છે. જે એપ અને કંપનીઓ નામ આપવાની સુવિધા આપી રહી છે તેની પાસે નાગરિકોનો ડેટા પણ પહોંચી જાય છે. આ અંગે ટ્રાઇ ભારત સરકારના ટેલિકોમ વિભાગ સાથે વાતચીત કરી રહ્યું છે. ટ્રાઇના ચૅરમૅન પી. ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે આ મેકેનિઝમ અંગે બે ત્રણ મહિનામાં કામ શરૂ થઇ જશે. સૂત્રો અનુસાર ટ્રાઇ જે સિસ્ટમ ઉપર કામ કરવાનું વિચારી રહી છે એ મોબાઇલ સિમના કેવાયસી ઉપર આધારિત હશે. કૉલર આઇડીની આ સિસ્ટમ યુઝર્સ માટે ફરજિયાત હશે કે નહીં તે અંગે તેમ જ અનેક બાબતે ચર્ચા શેષ છે. 
શકયતા એ પણ છે કે લોકો પાસે વિકલ્પ હશે કે તેમણે પોતાનું નામ સામેવાળાના ફોનમાં ડિસપ્લે કરાવવું છે કે નહીં. નવુ મેકેનિઝમ તૈયાર થતા સર્વિસ પ્રોવાઇડરને પરવાનગી આપવામાં આવશે કે તે તમામ એવા લોકોના નામ સામેવાળાના ડિસપ્લેમાં રજૂ કરે જેમણે તેની મંજૂરી આપી છે.
* સિમ ખરીદતી વખતે જે આઇડી દસ્તાવેજો આપ્યા હશે તેના ઉપર લખાયેલું નામ જોવા મળશે.
* બનાવટી નામથી ઠગાઇ કરનારાઓ અને સ્પેમ કોલથી છૂટકારો મળશે 
* અત્યારે કેટલીક એપ / કંપનીઓ આ સુવિધા આપી રહી છે, જેમાં ગ્રાહકોના ડેટા ઉપર જોખમ છે.
* ભારત સરકારના ટેલિકોમ વિભાગ સાથે વાત કરી રહ્યું છે ટ્રાઇ. 
* કૉલર આઇડીની આ સિસ્ટમ યુઝર્સ માટે ફરજિયાત કે નહીં તેના ઉપર ચર્ચા બાકી. 
* ફોન કરનારની ઓળખ વધુ સ્પષ્ટ અને કાયદાકીય રીતે  માન્ય હશે.
ડેટા ચોરી રોકવામાં મદદ મળશે
ટ્રાઇના સૂત્રો અનુસાર કેવાયસી આધારિત નવી વ્યવસ્થા તૈયાર થયા બાદ ફોન કરનારની ઓળખ વધુ સ્પષ્ટ અને કાયદેસર ગણાશે. ટ્રુ કૉલર જેવી એપ અને કંપનીઓ હાલ આવી સુવિધા આપી રહી છે, જેમાં ગ્રાહકોનો ડેટા તે કંપનીઓ પાસે ચાલી જાય છે. આ ડેટા ચોરી થવાની શકયતા વધી જાય છે. તેમ જ જે નામ ડિસપ્લે થાય છે તે કેવાયસી આધારિત હોતા નથી. આ એવા નામ હોય છે જે યુઝરે એપ ઉપર સેવ કર્યાં છે. ટ્રાઇના મેકેનિઝમમાં આ જોખને પણ દૂર કરી દેવાશે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer