મહારાષ્ટ્રમાં પેટ્રોલ રૂા. 2.08 અને ડીઝલ રૂા. 1.44 સસ્તું

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર સરકારે રવિવારે પેટ્રોલ અને ડીઝલ પરનો વૅલ્યૂ એડેડ ટૅક્સ (વૅટ) અનુક્રમે રૂા. 2.08 (પ્રતિ લિટરે) અને રૂા. 1.44 (પ્રતિ લિટરે) ઓછો કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે આ કાપને તાત્કાલિક લાગુ કરવામાં આવે. કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલના દરમાં રૂા. 8 અને ડીઝલના ભાવમાં રૂા. છનો ઘટાડો કર્યો હતો. તેના એક દિવસ બાદ રાજ્ય સરકારે ઉક્ત નિર્ણય લીધો હતો.
એક્સાઇઝ ડયૂટીમાં કાપને કારણે પેટ્રોલ અને ડીઝલના દરમાં અનુક્રમે રૂા. 9.5 પ્રતિ લિટરે અને રૂા. 7 પ્રતિ લિટરે કાપ મુકાયો છે.
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે સરકારના આ નિર્ણયને કારણે રાજ્યની તિજોરીને વર્ષે રૂા. 2500 કરોડનું નુકસાન થશે. વૅટમાં ઘટાડો કર્યા બાદ સરકારને પેટ્રોલ પર દર મહિને અંદાજે રૂા. 80 કરોડ અને ડીઝલમાં રૂા. 125 કરોડનું નુકસાન થશે. મુંબઈમાં એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડા અને વૅટમાં કાપ મુકાવાને કારણે પેટ્રોલ પ્રતિ લિટરે રૂા. 109.27 અને ડીઝલ પ્રતિ લિટરે રૂા. 95.84 થયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના દરમાં કરાયેલા ઘટાડા બાદ રાજ્ય સરકારે પણ આ અંગે નિર્ણય લેવો જોઈએ એવી માગણી થવા લાગી હતી.
અગાઉ રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ પર વૅટ રૂા. 2.48 પ્રતિ લિટરે અને ડીઝલ પર રૂા. 1.16 પ્રતિ લિટરે ઘટાડવાનો નિર્ણય લીધો હતો. કેરળ સરકારે પણ પેટ્રોલ પર રૂા. 2.41 અને ડીઝલ પર રૂા. 1.36 વૅટ પર કાપ મૂક્યો હતો.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer