બેસ્ટની બસ માટે પહેલીવાર લેડી સારથી : ત્રણ મહિલા ડ્રાઈવરની નિમણૂક

બેસ્ટની બસ માટે પહેલીવાર લેડી સારથી : ત્રણ મહિલા ડ્રાઈવરની નિમણૂક
મુંબઈ, તા. 22 : મુંબઈની બીજી લાઇફલાઇન ગણાતી બેસ્ટ બસને હવે મહિલા બસ ડ્રાઇવર ચલાવશે. મુલુંડમાં રહેતી લક્ષ્મી જાધવ (41) બેસ્ટના કાફલામાં સામેલ બસોને ચલાવનારી પહેલી મહિલા બસ ડ્રાઇવર બનશે. ગત 96 વર્ષમાં બેસ્ટ પાસે કોઇપણ મહિલા બસ ડ્રાઇવર નહોતી. જાધવને માતેશ્વરી અર્બન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (એમયુટીએસપી)એ નોકરી પર રાખી છે. જેમની પાસે લગભગ 400 બસો છે. જે બેસ્ટ હેઠળ મુંબઈ શહેરમાં બસો દોડાવે છે. 
બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રા અનુસાર આ એક ઐતિહાસિક ક્ષણ હશે. જ્યારે મહિલા પહેલીવાર કોઇ બેસ્ટ બસને ચલાવશે. અમે કુલ ત્રણ મહિલાઓની પસંદગી ડ્રાઇવર તરીકે કરી છે. જોકે બસ ચલાવવાની તક લક્ષ્મી જાધવને મળી રહી છે. 
એમયુટીએસપીના ઋષિ ટકે જણાવ્યું હતું કે અમારી પાસે 90 મહિલા બસ કંડકટરો છે. જે પોતાની ફરજ સારી રીતે બજાવી રહી છે. બેસ્ટના જનરલ મેનેજર ચંદ્રાએ સૂચન કર્યું હતું કે મહિલા બસ ડ્રાઇવરોની પણ નિમણૂક થવી જોઇએ. જે મહિલા બસ ડ્રાઇવરોની નિમણૂક કરવામાં આવી છે તેમને તાલીમ આપવામાં આવી છે. લક્ષ્મી જાધવે પોતાની તાલીમ પૂર્ણ કરી લીધી છે. 
લક્ષ્મી જાધવે જણાવ્યું હતું કે વર્ષ 2016માં તે ઓટોરિક્ષા ચલાવનાર પહેલી મહિલા બની હતી. બાળપણથી તેમને ડ્રાઇવિંગનો શોખ હતો. મેં અગાઉ ટ્રાવેલ એજન્સી માટે મર્સિડિઝ અને બીએમડબ્લ્યુ કાર પણ ચલાવી છે. મારા પરિવારનો મને સંપૂર્ણ સહકાર હોવાથી હું આ કામ ખુશી ખુશી કરી લઉં છું. મારો મોટો પુત્ર એન્જિનિયરિંગ તો નાનો પુત્ર ગ્રેજ્યુએશન કરી રહ્યો છે.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer