અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 22 : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને `નવી દિશા નવું ફલક' કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં તા. 26મી મે મહાનગર પાલિકા કક્ષાના, પચ્ચીસ જિલ્લાઓમાં તા. 30મી મે એ જિલ્લ કક્ષાના અને 249 તાલુકામાં તારીખ 1લી જૂનથી 6ઠ્ઠી જૂન દરમિયાન તાલુકા કક્ષાના કાર્યક્રમો સવારે 10:00 થી 12:00 કલાક દરમિયાન યોજાશે. કાર્યક્રમોના સ્થળની વિગતો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે તે માટે આ કાર્યક્રમોમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવનારું છે, જેનો મહત્તમ લાભ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે, એમ આજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.
શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, 8 મહાનગર તથા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ માત્ર ધોરણ 10 અને 12 નહીં, પણ ધોરણ 9થી 12 સુધીના વિધાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીને લગતા સવાલો માટે સેમિનાર યોજવામાં આવશે.
Published on: Mon, 23 May 2022
ગુજરાતમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારોની શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત
