નવીદિલ્હી, તા.22: કાશીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેમાં કથિતરૂપે મળી આવેલાં શિવલિંગ બાદ છેડાયેલા વિવાદ વચ્ચે કુતુબ મિનાર પરિસરમાં પણ ખોદાઈ કરીને હકીકતો ઉજાગર કરવાની માગણી જોર પકડવા લાગી છે ત્યારે એક બિનસત્તાવાર અહેવાલ એવા આવ્યા હતા કે, સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કુતુબ મિનાર પરિસરમાં ખોદકામ માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. જેથી ત્યાં રહેલી પ્રતિમાઓનાં આધારે ઈતિહાસ સુધારી શકાય. જો કે આ સનસનાટી ભર્યા અહેવાલોને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી.કે.રેડ્ડીએ ખારિજ કરી નાખ્યા છે અને કહ્યું હતું કે, આવો કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી.
જ્ઞાનવાપી વિવાદ પછી આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સંસ્કૃતિ મંત્રાલયે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ (એએસઆઈ)ને આદેશ જારી કરીને મિનાર પરિસરમાં રહેલી મૂર્તિઓનું અધ્યયન કરવાનાં આદેશો આપી દીધા છે. પરિસરમાં ખોદકામ બાદ જે કંઈપણ તથ્યો સામે આવે તેનો અહેવાલ એએસઆઇ દ્વારા સંસ્કૃતિ મંત્રાલયને સોંપવામાં આવશે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, સંસ્કૃતિ મંત્રાલયે સચિવ ગોવિંદ મોહન દ્વારા પરિસરમાં કરવામાં આવેલા નિરીક્ષણ બાદ આપ્યો હતો. તેમણે 21મી મેના રોજ 12 લોકોની ટીમ સાથે પરિસરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ખોદકામ માટે મંત્રાલયે નિર્દેશ આપી દીધા હતા. જો કે હવે સંસ્કૃતિ મંત્રી આ અહેવાલોને સદંતર નિરાધાર ગણાવી રહ્યા છે અને આવો કોઈ આદેશ આપવામાં આવ્યો ન હોવાનું કહે છે. બીજીબાજુ એએસઆઇ પણ કહે છે કે તેને આવો કોઈ લેખિત આદેશ મળ્યો નથી.
Published on: Mon, 23 May 2022
કુતુબ મિનાર પરિસરમાં ખોદકામના આદેશ અપાયાનું નકારતા સંસ્કૃતિ પ્રધાન
