યુરોપમાં સ્થિતિ વિકટ : મોદી-બાયડન વચ્ચે વાતચીતની શક્યતા
વોશિંગ્ટન, તા. 22: યુરોપની `રોટીની ટોકરી' કહેવાતા યુક્રેન ઉપર રશિયાના હુમલાથી ખાદ્યાન્ન સપ્લાયની સ્થિતિ વધુને વધુ ભયંકર બની રહી છે. આ મહાસંકટ ઉપર સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે દુનિયા પાસે હવે માત્ર 10 અઠવાડિયા એટલે કે 70 દિવસના જ ઘઉં બચ્યા છે. ઘઉંનો જથ્થો 2008 બાદ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે દુનિયામાં આવું ખાદ્યાન્ન સંકટ એક પેઢીમાં એક જ વાર આવે છે. આ દરમિયાન હવે દુનિયાની નજર જાપાનમાં થઈ રહેલી ક્વાડ દેશોની બેઠક ઉપર છે. જેમાં ઘઉંના સંકટનો મુદ્દો ઉઠી શકે છે.
ભારતે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ અમેરિકા સહિત યુરોપિયન દેશ ચિંતામાં આવ્યા છે. અમેરિકા અને યુરોપિયન દેશની ચિંતા જરૂરી પણ છે, કારણ કે દુનિયામાં હવે માત્ર 70 દિવસ ચાલે તેટલો જ ઘઉંનો જથ્થો વધ્યો છે. રશિયા અને યુક્રેન દુનિયામાં 25 ટકા ઘઉંની આપૂર્તિ કરે છે અને પશ્ચિમી દેશોને ડર છે કે પુતિન ઘઉંનો ઉપયોગ એક હથિયાર તરીકે કરી રહ્યું છે. રશિયામાં ચાલુ વર્ષે ઘઉંનો પાક શાનદાર થયો છે અને પુતિન તેને નિયંત્રિત કરી શકે છે. બીજી તરફ ખરાબ હવામાનનાં કારણે યુરોપ અને અમેરિકામાં ઘઉંના પાકને નુકસાન થયું છે. ખાદ્યાન્નની કમી પાછળ ખાતરની કમી, જળવાયુ પરિવર્તન, અનાજનો ઓછો ભંડાર વગેરે કારણો પણ જવાબદાર છે. તત્કાળ પગલાં ભરવામાં ન આવતા અસાધારણ ત્રાસદી અને નુકસાન તરફ પરિસ્થિતિ જઈ રહી છે.
પશ્ચિમી દેશોને ડર સતાવી રહ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ જાણી જોઈને વૈશ્વિક ખાદ્યાન્ન સપ્લાયને નુકસાન પાહોંચાડવા માગે છે અને યુક્રેનના કૃષિ ઉપકરણોને નુકસાન પહોંચાડી રહ્યું છે તેમજ ઘઉંની ચોરી કરી રહ્યા છે. આ દરમિયાન ભારતે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા પશ્ચિમી દેશો ચિંતામાં આવ્યા છે. કહેવાય છે કે અમેરિકી પ્રમુખ ક્વાડ દેશોની બેઠકમાં વડા પ્રધાન મોદી સામે ઘઉંની અછતનો મામલો ઉઠાવી શકે છે. અમેરિકાએ કહ્યું છે કે ક્વાડ દેશોની બેઠકમાં ઘઉંના સંકટ ઉપર ચર્ચા કરવામાં આવશે. બાઇડન મોદીને ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવવાની માગણી કરી શકે છે.
Published on: Mon, 23 May 2022
દુનિયામાં માત્ર 70 દિવસનો ઘઉંનો સ્ટૉક
