ઇંગ્લૅન્ડમાં વિજયી કૂચ માટે આતુર ન્યૂ ટીમ ઇન્ડિયા

ઇંગ્લૅન્ડમાં વિજયી કૂચ માટે આતુર ન્યૂ ટીમ ઇન્ડિયા
1 જુલાઈથી નિર્ણાયક ટેસ્ટ : 15 વર્ષ બાદ ભારતને ટેસ્ટ શ્રેણી જીતવાની તક
બર્મિંઘમ, તા.22: ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં છે અહીં 5 ટેસ્ટ મેચની શ્રેણીનો મોકૂફ રખાયેલો નિર્ણાયક ટેસ્ટ મેચ રમાવાનો છે. સુકાની રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં જો ન્યુ ટીમ ઇન્ડિયા આ ટેસ્ટ જીતશે તો 15 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાની સિદ્ધિ મેળવશે. ગત વર્ષ શ્રેણી રમાઈ ત્યારે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ જુદી હતી. બન્ને ટીમમાં હવે ધરખમ બદલાવ આવી ચૂક્યો છે, ખેલાડીઓ-સુકાની-કોચ બદલાઈ ચૂક્યા છે.
ભારતીય ટીમ વર્ષ 2007 બાદ ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ સિરિઝ જીતી શકી નથી. છેલ્લે ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર 3 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું. ભારતે ઇંગ્લેન્ડમાં કુલ 18 ટેસ્ટ સિરીઝ રમી છે જેમાં માત્ર 3 જીતી છે અને 14માં પરાજય થયો છે. 5 ટેસ્ટની શ્રેણીનો નિર્ણાયક ટેસ્ટ 1 જુલાઈથી બર્મિંઘમમાં રમાવાનો છે. ગત વર્ષ રમાયેલી આ શ્રેણીમાં ભારતે 2-1થી સરસાઈ મેળવી છે. કોરોનાને પગલે પાંચમો ટેસ્ટ મોકૂફ રખાયો હતો જે હવે રમાવાનો છે. ભારતીય ટીમ જો આ ટેસ્ટ જીતે અથવા ડ્રો કરાવે તો પણ 15 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમ ઈતિહાસ રચશે. ઇંગ્લેન્ડ જીતશે તો શ્રેણી ર-રથી ડ્રો જશે. યોગાનુયોગ છે કે 2007માં જ્યારે ભારતે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી ત્યારે ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની દ્રવિડ હતો અને આ વખતે તે ટીમનો કોચ છે. અગાઉ રમાયેલા 4 ટેસ્ટ વખતે કોહલી કેપ્ટન અને રવિ શાત્રી કોચ હતા. ઈંગ્લેન્ડની ટીમમાં જો રૂટનાં સ્થાને બેન સ્ટોક્સ સુકાની છે તથા નવા કોચ તરીકે બ્રૈડન મેક્કુલમ છે. બન્ને ટીમમાં નવા યુવાઓ ખેલાડીઓને તક અપાઈ છે.
ઇંગ્લેન્ડ ટૂર : ભારતના મુકાબલા
  • 1-5 જુલાઈ પાંચમો ટેસ્ટ
  • 7 જુલાઈ પહેલો ટી-20
  • 9 જુલાઈ બીજો ટી-20 
  • 10 જુલાઈ ત્રીજો ટી-20 
  • 12 જુલાઈ પહેલો વન ડે
  • 14 જુલાઈ બીજો વન ડે
  • 17 જુલાઈ ત્રીજો વન ડે
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer