હરિયાણા અને કર્ણાટક ક્રિપ્ટોની સમગ્ર પ્રણાલી વિશે અભ્યાસ કરશે
નવી દિલ્હી, તા. 22 : ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલ તેની આગામી બેઠકમાં ક્કિપ્ટો અસ્ક્યામતો ઉપર ટૅક્સ લાગુ કરવાનો નિર્ણય મુલતવી રાખે તેવી શક્યતા છે. આગામી 28 અને 29મી જૂનના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક ચંદીગઢમાં મળવાની છે. જીએસટી કાઉન્સિલ હરિયાણા અને કર્ણાટકને ક્રિપ્ટોની સમગ્ર પ્રણાલી વિશે અભ્યાસ કરવા માટે કહે તેવી શક્યતા છે.
કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓની બનેલી ફિટમેન્ટ કમિટી આ મુદ્દાની સમીક્ષા કરી રહી છે અને આ વિષયનો ઊંડો અભ્યાસ થઇ શકે તે માટે નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હોવાનું આ ઘટના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યુ હતું.
અત્યારે જીએસટીના ધોરણોમાં વર્ચ્યુઅલ એસેટ્સ માટે કોઇ જોગવાઇ નથી, તેની સર્વીસીસ ઉપર ફાઇનાન્સિયલ સેવાના નામ હેઠળ 18 ટકા ટૅક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
ક્રિપ્ટો કરન્સીસ અને નોન ફન્જિબલ ટૉકન (એનએફટી) ઉપર વેરા લાદવા માટે કેવી પ્રણાલી નક્કી કરી શકાય તેના વિવિધ પાસાં વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને છેવટે ફિટમેન્ટ પેનલે નક્કી કર્યું હતું કે ક્રિપ્ટો ઇકોસિસ્ટમ વિશે ઊંડો અભ્યાસ કરવો આવશ્યક છે અને આ વિશે હરિયાણા અને કર્ણાટક તમામ પાસાંનો અભ્યાસ કરીને કમિટી સમક્ષ તેનો અહેવાલ નિર્ધારિત સમયમાં સુપરત કરશે.
Published on: Thu, 23 Jun 2022
જીએસટી કાઉન્સિલ ક્રિપ્ટો અસ્ક્યામતો ઉપર વેરા લાદવાનો નિર્ણય મુલતવી રાખે તેવી શક્યતા
