આતંકવાદીઓનો કારસો હોવાની ચેતવણી
ઈસ્લામાબાદ,તા.22: પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઉપર આતંકવાદી ખતરો ભમી રહ્યો છે. આતંકીઓ તેમની હત્યાનાં કાવતરામાં અફઘાનિસ્તાનમાંથી હત્યારાઓની મદદ માગી હોવાનાં અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાનનાં મીડિયાનાં અહેવાલો અનુસાર આતંકવિરોધી વિભાગની ખૈબર પખ્તૂનખ્વા પાંખ દ્વારા ઈમરાન ઉપર આતંકી ખતરાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ઈમરાનની સુરક્ષા માટે શક્ય તમામ વ્યવસ્થા કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
પાક. પોલીસનાં જણાવ્યા અનુસાર 18મી જૂને આ એલર્ટ આપવામાં આવ્યું હતું. જો કે આ આતંકી ખતરો અને ધમકીને જાહેર થઈ જતાં અટકાવવા માટેનાં નિર્દેશો પણ આપવામાં આવ્યા હતાં. વિશ્વાસનો મત હારીને સત્તા ગુમાવનાર ઈમરાનને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવાની ધરપત વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફથી આપવામાં આવી છે.
Published on: Thu, 23 Jun 2022