રાજકીય બનાવો વિધાનસભાના વિસર્જન ભણી દોરી જઇ શકે : સંજય રાઉત

રાજકીય બનાવો વિધાનસભાના વિસર્જન ભણી દોરી જઇ શકે : સંજય રાઉત
ગૃહના વિસર્જનની શક્યતા નથી : કૉંગ્રેસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારના મુખ્ય પક્ષ શિવસેનાના મહત્ત્વના નેતા એકનાથ શિંદેના બળવા પછી બનેલા નાટયાત્મક બનાવોને પગલે પક્ષના પ્રવક્તા સંજય રાઉતે આજે જણાવ્યું છે કે વર્તમાન રાજકીય ઘટનાઓ વિધાનસભાના વિસર્જન ભણી દોરી જઈ શકે છે.
જ્યારે શિવસેનાના સાથી પક્ષ કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પાટોલેએ જણાવ્યું છે કે વિધાનસભાનું વિસર્જન કરવાની કોઈ દરખાસ્ત નથી.
શિંદેના બળવાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલી શિવસેનાના પ્રવક્તા અને નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે વર્તમાન રાજકીય કટોકટીને કારણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પાસે વિધાનસભાનું વિસર્જનની રાજ્યપાલને ભલામણ કરવાનો પ્રસ્તાવ છે.
નાના પાટોલેએ બાદમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાનું વિસર્જન કરવાની કોઈ દરખાસ્ત વિચારણા 
હેઠળ નથી. અમે કાર્યક્ષમતાથી સરકાર ચલાવશું.
અહીં ઉલ્લેખનીય છે કે રાઉતે આજે ટ્વીટર ઉપર લખ્યું હતું કે મહારાષ્ટ્રના રાજકીય બનાવો વિધાનસભાના વિસર્જન ભણી દોરી જઈ રહ્યા છે.
બાદમાં તેઓને ટ્વીટર ઉપર આ મુદ્દે વધુ વિગતો આપવાનું કહેવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં આ પ્રકારની રાજકીય પરિસ્થિતિ સર્જાય છે ત્યારે વિધાનસભાનું વિસર્જન કરવામાં આવતું હોવાનું મે જોયું છે.

Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer