મહિલા ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં

મહિલા ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં
બારબાડોસ વિરુદ્ધ 100 રને શાનદાર વિજય: જેમિમાની અર્ધસદી અને રેણુકાની 4 વિકેટ
બર્મિંગહામ, તા.4: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સના સેમિ ફાઇનલમાં જગ્યા પાકી કરી લીધી છે. પહેલા મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ટીમ ઇન્ડિયાએ શાનદાર વાપસી કરીને અંતિમ ચારમાં તેનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ગઇકાલે રમાયેલા ત્રીજા લીગ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો બારબાડોસની ટીમ વિરૂધ્ધ 100 રને મહાવિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ ભારતીય ઝડપી બોલર રેણુકા સિંઘે ફરી એકવાર કાતિલ બોલિંગ કરીને 10 રનમાં 4 વિકેટ લીધી હતી. આથી 163 રનના વિજય લક્ષ્યાંક સામે બારબાડોસની મહિલા ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 62 રન જ કરી શકી હતી. કિશોના નાઇટે સૌથી 16 રનની ઇનિંગ રમી હતી. રેણુકાની 4 વિકેટ ઉપરાંત સ્નેહા રાણા, મેઘના સિંઘ, રાધા યાદવ અને કપ્તાન હરમનપ્રિત કૌરને 1-1 વિકેટ મળી હતી.
આ પહેલા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 162 રનનો સ્કોર કર્યોં હતો. સ્ટાર સ્મૃતિ મંધાના (5)ના આઉટ થયા બાદ યુવા બેટર શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સ વચ્ચે બીજી વિકેટમાં 71 રનની ભાગીદારી થઇ હતી. શેફાલીએ 26 દડામાં 43 અને જેમિમા 46 દડામાં 56 રને નોટઆઉટ રહી હતી. દીપ્તિ શર્મા 34 રને અણનમ રહી હતી. જયારે કપ્તાન હરમનપ્રિત ઝીરોમાં આઉટ થઇ હતી. મહિલા ટી-20 ક્રિકેટમાં રન અંતરથી ભારતની આ બીજી સૌથી મોટી જીત છે. અગાઉ એશિયા કપમાં મલેશિયાને 142 રને હાર આપી હતી.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust