સ્ક્વોશ અને હાઇ જમ્પમાં પહેલીવાર ચંદ્રક: જુડોમાં તુલિકાને રજત અને વેઇટ લિફ્ટિંગમાં ગુરદીપને કાંસ્ય ચંદ્રક : લવલીના મેડલ વિના પરત ફરશે : ક્વાર્ટર ફાઇનલમાં હારી
બર્મિંગહામ, તા.4: કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતની સ્વર્ણિમ સફળતાનો દોર જારી છે. ગેમ્સના ગઈકાલે છઠ્ઠા દિવસે બે સ્પર્ધા એવી છે કે જેમાં ભારતને પહેલીવાર ચંદ્રક મળ્યા છે. સ્ક્વોશની વ્યક્તિગત સ્પર્ધામાં મેડલ જીતનારો સૌરવ ઘોષાલ પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. એ જ રીતે હાઇ જમ્પમાં પણ ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર મેડલ પ્રાપ્ત થયો છે. જે તેજસ્વિન શંકરે અપાવ્યો છે. બીજી તરફ ટોકયો ઓલિમ્પિકની કાંસ્ય ચંદ્રક વિજેતા મહિલા મુક્કેબાજ લવલીના બર્મિંગહામથી મેડલ વિના પાછી ફરશે. ગઇકાલે લવપ્રીત સિંઘના કાંસ્ય ચંદ્રક બાદ વધુ એક વેઇટ લિફટર ગુરદીપ સિંઘે 109 પ્લસ કેટેગરીમાં ભારતને કાંસ્ય ચંદ્રકની ભેટ ધરી છે. જુડોમાં તુલિકા માને રજત ચંદ્રક જીત્યો હતો.
હાઇ જમ્પમાં ઇતિહાસ રચતો તેજસ્વિન શંકર
ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનું ખાતું ખૂલી ગયું છે. હાઇ જમ્પર તેજસ્વિન શંકરે દેશને પહેલો બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. 23 વર્ષીય એથ્લેટ શંકરે 2.22 મીટરનો ઉંચો કૂદકો લગાવ્યો હતો અને ફાઇનલમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. ન્યુઝિલેન્ડના હામિશ કેરને ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયાના બ્રેંડન સ્ટાર્કને સિલ્વર મેડલ મળ્યા હતા.
ખાસ વાત એ છે કે તજસ્વિન શંકરે કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટીમમાં જગ્યા મળી ન હતી. આથી તે વિરોધમાં હાઇ કોર્ટ પહોંચ્યો હતો. કોર્ટના નિર્દેશ બાદ તેનો સમાવેશ કરાયો હતો.
સ્ક્વોશમાં ભારતને પહેલો મેડલ અપાવતો સૌરવ ઘોષાલ
ભારતના સૌરવ ઘોષાલે પુરુષ સિંગલ્સની સ્પર્ધા કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. કાંસ્ય ચંદ્રકના મુકાબલામાં તેનો ઇંગ્લેન્ડના ખેલાડી જેમ્સ વિલ્સટ્રોપ વિરુદ્ધ 3-0થી શાનદાર વિજય થયો હતો. સૌરવ ઘોષાલે ત્રણેય ગેમ 11-6, 11-1 અને 11-4થી આસાનીથી જીતી લીધી હતી.
કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સ્ક્વોશની વ્યક્તિગત સ્પર્ધામાં ભારતનો આ પહેલો મેડલ છે. ઘોષાલે 2018ના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં દીપિકા પલ્લીકલ સાથે મળીને મિકસ ડબલ્સમાં રજત ચંદ્રક જીત્યો હતો.
જુડોમાં તુલિકા માનને સિલ્વર મેડલ
ભારતીય જુડો મહિલા ખેલાડી તુલિકા માને 78 કિલો વર્ગના ફાઇનલમાં સ્કોટલેન્ડની સારા એડલિંટન વિરુદ્ધ હાર સહન કરવી પડી હતી. આથી તુલિકાને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. ફાઇનલ મુકાબલો 30 સેકન્ડ પહેલા જ સમાપ્ત થઈ ગયો છે. ઇંગ્લેન્ડની ખેલાડી સારાએ તાકાતથી તુલિકાને પીઠ સરખી મેટ પર પછાડી દીધી હતી. આથે તે વિજેતા જાહેર બની હતી અને ગોલ્ડ મેડલ તેના નામે કર્યો હતો.
વેઇટ લિફટર ગુરદીપ સિંઘને બ્રોન્ઝ મેડલ
વેઇટ લિફ્ટિંગની પુરુષોની 109 કિલો પ્લસ સ્પર્ધામાં ગુરદીપ સિંઘે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તે કુલ 390 કિલો વજન ઉંચકીને ત્રીજા સ્થાને રહ્યો હતો. ગુરદીપે સ્નેચમાં 167 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 223 કિલો વજન ઉંચકીને કાંસ્ય ચંદ્રક પોતાનાં નામે કર્યો હતો.
લવલીનાએ નિરાશ કર્યા
ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેન કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર હતી, પણ તે મેડલ વિના પરત ફરશે. મહિલાઓના 70 કિલો વર્ગના કવાર્ટર ફાઇનલમાં લવલીના નિરાશાજનક દેખાવ સાથે વેલ્સની બોક્સર રોસી અસેલ્સ સામે 2-3થી હારીને સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. કોમનવેલ્થ ગેમ્ના પ્રારંભ પૂર્વે લવલીના વિવાદમાં આવી હતી. તેણીએ આરોપ લગાવ્યો કે તેના પર્સનલ કોચને સ્પોર્ટ્સ વિલેજમાં એન્ટ્રી અપાઈ રહી નથી. લવલીનાએ ભારતીય મુક્કેબાજ સંઘ પર હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં પણ વિવાદાસ્પદ રીતે ગાયબ રહી હતી. હવે તે ચંદ્રક વિના પરત ફરશે.
Published on: Fri, 05 Aug 2022
કૉમનવૅલ્થ ગેમ્સમાં ભારતની સ્વર્ણિમ સફળતાનો દોર જારી
