રિયલ્ટી ક્ષેત્રે રોકાણકારોનું આકર્ષણ વધ્યું

રિયલ્ટી ક્ષેત્રે રોકાણકારોનું આકર્ષણ વધ્યું
મુંબઈ, તા. 4 : રિયલ એસ્ટેટ સેક્ટરમાં મજબૂત રિકવરીથી ઉત્સાહિત રોકાણકારો આ સેક્ટર પર હવે મહેરબાન થયા છે. વર્ષ 2022ના પહેલા છ મહિના દરમિયાન રિયલ એસ્ટેટ સેક્ટરમાં રેકોર્ડ 27 હજાર કરોડથી વધુ રોકાણ જોવા મળ્યું છે. વાર્ષિક સ્તરે રોકાણમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો છે. 
પહેલા છ મહિના દરમિયાન સૌથી વધુ 60 ટકા રોકાણ એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં જોવા મળ્યું હતું. આ સમય દરમિયાન રિયલ એસ્ટેટ સેક્ટરમાં 16 હજાર કરોડ રૂપિયાનું રોકાણ જોવા મળ્યું હતું, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનાએ 47 ટકા વધુ છે. રિયલ એસ્ટેટ ફર્મ સીબીઆરઇના ઇન્ડિયા માર્કેટ મોનિટર અનુસાર આર્થિક મંદીના માહોલ છતાં વર્ષ 2022ના બીજો ત્રિમાસિક ગાળો ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટર માટે લાભદાયી સાબિત થયો હતો. 
મોટા ભાગના તમામ રિયલ એસ્ટેટ સેક્ટર્સમાં વાર્ષિક અને ત્રિમાસિક સ્તરે વૃદ્વિ નોંધાઇ છે. ગત વર્ષે જે માંગ અટકી હતી તે આ વર્ષે ફરીથી આર્થિક સ્થિતિમાં સુધારો થતા ફરીથી વધી છે, જેને કારણે આ વૃદ્વિ શક્ય બની છે. ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર 65 ટકા હિસ્સા સાથે રિયલ એસ્ટેટમાં સૌથી અવ્વલ રહ્યા હતા, જેમણે મુખ્યત્વે બ્રાઉનફીલ્ડ એસેટમાં રોકાણ કર્યું. આ બાદ ડેવલપર્સનો હિસ્સો 31 ટકા રહ્યો હતો.
લગભગ 70 ટકા મૂડી રોકાણ શુદ્વ રોકાણ અથવા ટેકઓવર તરીકે થયું, જ્યારે 30 ટકા રોકાણ ગ્રીનફીલ્ડ માટે થયું. સીબીઆરઈના ભારત, દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય-પૂર્વ અને આફ્રિકાના ચૅરમૅન અને સીઇઓ અંશુમાનના જણાવ્યા મુજબ પહેલા છ માસ દરમિયાન ઉત્સાહવર્ધક રોકાણને જોતા વર્ષ 2022માં રિયલ એસ્ટેટ રોકાણ 2021ના બેંચમાર્કની તુલનામાં 10 ટકાથી વધુ વધવાની આશા છે. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust