બ્રિટાનિયાનો નફો જૂન ત્રિમાસિક ગાળામાં 13 ટકા ઘટી રૂ.337 કરોડ થયો

બ્રિટાનિયાનો નફો જૂન ત્રિમાસિક ગાળામાં 13 ટકા ઘટી રૂ.337 કરોડ થયો
નવી દિલ્હી, તા. 4 : જૂન ત્રિમાસિક ગાળામાં બ્રિટાનિયાનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13.37 ટકા ઘટી રૂ.337 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીનો નફો રૂ.389.55 કરોડ થયો હતો. જોકે, સમીક્ષકોને રૂ.366 કરોડનો ચોખ્ખો નફો થવાની ધારણા હતી. 
કંપનીની આવક આ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 8.74 ટકા વધીને રૂ.3700.96 કરોડ થઇ હતી. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂ.3403.46 કરોડની આવક કરી હતી.કંપનીનો સંચાલન દ્વારા એકત્રિત નફો જૂન ગાળામાં રૂ.450 કરોડ થયો હતો. કંપનીનું ત્રિમાસિક ધોરણે સંચાલન હેઠળનું માર્જિન 14.05 ટકાથી ઘટીને 12.15 ટકા થયુ હતું.
કંપનીના મેનેજિંગ ડરેક્ટર વરૂણ બેરીએ જણાવ્યું કે વિપરિત જાગતિક પરિબળોની માઠી અસર અર્થતંત્ર ઉપર પડી હતી. તેના પગલે જૂન ગાળામાં ફુગાવો વધ્યો હતો. ઘઉં અને મેંદા જેવા કાચા માલના ભાવમાં વધારો થવાથી અને ક્રુડ તેલના ભાવ પણ ઊંચા રહેવાના કારણે બેકરી પદાર્થેના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો હતો.
ભાવ વધારાને પહોંચી વળવા માટે અમે બનતા પગલાં સત્વરે લીધા છે છતાં તેની સ્પષ્ટ અસર આવનારા ત્રિમાસિક ગાળામાં જોવા મળશે, તે સાથે પામ તેલ અને ક્રુડ તેલના ભાવમાં પણ સહેજ ઘટાડો થવાના કારણે તેની અસર નફા ઉપર સકારાત્મક જોવા મળશે, એમ વરૂણ બેરીએ જણાવ્યું હતું. 
કંપનીનો શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં વિસ્તાર સંતોષજનક અને પ્રોત્સાહક થઇ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust