જુલાઇમાં વાહનોનું રિટેલ વેચાણ આઠ ટકા ઘટયું

જુલાઇમાં વાહનોનું રિટેલ વેચાણ આઠ ટકા ઘટયું
પેસેન્જર વેહિકલ્સ, ટુ વ્હિલર્સ અને ટ્રેકટર્સના રજિસ્ટ્રેશનમાં ઘટાડો 
નવી દિલ્હી, તા. 4 : જુલાઇ માસમાં દેશમાં અૉટોમોબાઇલનું રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે આઠ ટકા ઘટયું હતું. પેસેન્જર વેહિકલ્સ, ટુ વ્હિલર્સ અને ટ્રેકટર્સના રજિસ્ટ્રેશનમાં ઘટાડો થવાના કારણે જુલાઇમાં વિવિધ સેગ્મેન્ટ્સના વાહનોનું વેચાણ ઘટયું હતું.
ફેડરેશન અૉફ અૉટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગયા મહિને વાહનોનું એકંદર વેચાણ 14,36,927 યુનિટ્સનું થયું હતું, જે ગયા વર્ષે સમાન ગાળામાં 15,59,106 યુનિટ્સનું હતું. પેસેન્જર વેહિકલનું રિટેલ વેચાણ જુલાઇ માસમાં પાંચ ટકા ઘટીને 2,50,972 યુનિટ્સનું થયું હતું જે જૂન માસમાં 2,63,238 યુનિટ્સનું થયું હતું. 
ફાડાના પ્રમુખ વિન્કેશ ગુલાટીએ કહ્યુ કે જુલાઇમાં વાહનોનું રિટેલ વેચાણ ઘટયું હોવા છતાં નવા મોડેલ્સ અને વિશેષરૂપે કોમ્પેક્ટ એસયુવી માર્કેટમાં રજૂ થવાના કારણે વિકાસને બળ મળ્યું હતું. આ સાથે આવનારા સમયમાં પુરવઠો બહેતર થવાની અપેક્ષા હોવાથી ગ્રાહકોની પ્રતિક્ષા યાદીમાં પણ ઘટાડો અપેક્ષિત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જુલાઇમાં ટુ વ્હિલર્સનું રિટેલ વેચાણ 10,09,574 યુનિટ્સનું થયું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 11 ટકા ઘટયું છે, ગયા વર્ષે જુલાઇ માસમાં આ સેગ્મેન્ટના વાહનોનું કુલ વેચાણ 11,33,344 યુનિટ્સનું થયું હતું. ગ્રામીણ માગમાં ઘટાડો થવાના કારણે ટુ વ્હિલર્સનું વેચાણ ઘટયું હોવાનું તેમણે ઉમેર્યું હતું. ટ્રેક્ટર્સના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો અને જુલાઇ માસમાં 59,573 યુનિટ્સનું વેચાણ થયું હતું જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 82,419 યુનિટ્સનું થયું હતું, આમ, ટ્રેક્ટરના વેચાણમાં 28 ટકાનો ઘટાડો થયો છે. 
જોકે, થ્રી વ્હિલર્સ અને કમર્સિયલ વેહિકલ્સનું વેચાણ ગયા મહિને વાર્ષિક ધોરણે 80 ટકા વધીને 50,349 યુનિટ્સનું થયું હતું, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 27,908 યુનિટ્સનું થયું હતું. 
દરમિયાન, ચીન અને તાઇવાન વચ્ચે સંઘર્ષ થવાના કારણે ચીપની સપ્લાય ખોરવાઇ જશે તો નવા વાહનોની ડિલિવરીમાં ઓર વિલંબ થશે, એમ ગુલાટીએ જણાવ્યું હતું. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust