નાલાસોપારામાંથી રૂા. 1403 કરોડનું 702 કિલો ડ્રગ્સ જપ્ત : પાંચની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
પાલઘર, તા. 4 : મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિકસ સેલે પાલઘર જિલ્લાના નાલાસોપારામાંથી રૂ.1,403 કરોડ રૂપિયાનું મેફાડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. એએનસીએ બુધવારે રાતે નાલાસોપારાના ચક્રધર નગરની સીતારામ ઇમારતમાંથી શખસની 702 કિલોગ્રામ મેફાડ્રોન સાથે ધરપકડ કરી હતી અને ત્યારબાદ બે ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરાઇ હતી. આ ડ્રગ્સની કિમંત રૂ.1,403.5 કરોડ છે. ગોવંડીમાંથી 29મી માર્ચે ધરપકડ કરાયેલા બે અન્ય ડ્રગ પેડલર્સ અને મહિલાની પૂછપરછ બાદ બુધવારે એએનસીએ મોટી કાર્યવાહી બુધવારે હાથ ધરી હતી. હાલમાં ધરપકડ કરાયેલા ત્રણમાંથી એક પાસે રૂ. 37.50 લાખનું 250 ગ્રામ મેફાડ્રોન અને બીજા પાસેથી રૂ.4.14 કરોડનું 2.70 કિલોગ્રામ મેફાડ્રોન સાથે ધરપકડ કરાઇ હતી. સતત પૂછપરછ બાદ મહિલા આરોપીએ પોતાના બે સાથી અંગે જાણકારી આપી હતી, એમાંના એકને બીજી અૉગસ્ટે અને બીજાને ત્રીજી અૉગસ્ટે ડ્રગ્સ સાથે ધરપકડ કરાઇ હતી. એએનસીએ જણાવ્યું હતું કે આરોપીઓમાંનો એક ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જાણકાર છે અને મેફાડ્રોન બનાવવાની આવશ્યક જાણકારી ધરાવે છે. આરોપી મહિલાએ અન્ય લોકો સાથેની ઓળખ ગુપ્ત રાખી હતી અને સોશિયલ મીડિયા ઉપર ગ્રાહકોનો સંપર્ક કરીને મુંબઈ સહિત તેની આસપાસ ડ્રગ્સનો પુરવઠો પૂરો પાડતી હતી. 
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે માર્ચમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યારે બુધવારે ધરપકડ કરાયેલા બે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. આરોપીઓ પાસેથી રૂ. 1,403 કરોડનું 701.740 કિલોગ્રામ મેફાડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું છે. અધિકારીએ જણાવ્યું હતું કે ચાર મહિનામાં હાથ ધરાયેલી બે ઇન્ટર કનેકટેડ ઓપરેશનમાં રૂ.1,408 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયા બાદ ડ્રગ્સનો ત્રોત, અન્ય તસ્કરો, નશીલા પદાર્થનો માફિયાઓ સાથેના કનેકશન અંગે તપાસ ચાલી રહી છે.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust