મહારાષ્ટ્ર પ્રધાનમંડળનું વિસ્તરણ સોમવાર સુધી ટળ્યું

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બીમાર પડયા 
મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનેલા સવા મહિના જેવા સમય થઇ ગયો છે તેમ છતાં કૅબિનેટ વિસ્તરણના હજી કોઇ આસાર દેખાઇ રહ્યા નથી. શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ સરકાર ચલાવી રહ્યાં છે. એવામાં કૅબિનેટ વિસ્તરણ માટે વિપક્ષ તરફથી જોર આપવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસને કારણે પ્રધાનોની શપથવિધિને ગ્રહણ લાગ્યું છે. 
આ દરમિયાન ભાજપના નેતા સુધીર મુનગંટીવારે આજે જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે રાજ્ય કૅબિનેટનું વિસ્તરણ 15મી અૉગસ્ટ પહેલા થશે. તેથી સંબંધિત જિલ્લાઓના પાલક પ્રધાનો આઝાદી દિને ત્રિરંગો લહેરાવશે.
રાજ્ય પ્રધાનમંડળનું વિસ્તરણ આજે (શુક્રવારે) થવાનું હતું, પરંતુ મુખ્ય પ્રધાન એકનાશ શિંદે માંદા પડી ગયા હોવાને કારણે અને રાજ્યપાલ મુંબઈમાં ન હોવાને કારણે કૅબિનેટનું વિસ્તરણ કરવાનું શક્ય નથી. શિંદે માંદા પડયા હોવાથી ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી હોવાનું જણાઇ રહ્યું છે. 
એકનાશ શિંદે મુખ્ય પ્રધાન બન્યા બાદ ફડણવીસ અને તેઓ છ વખત દિલ્હીની મુલાકાત લઇ ચૂક્યા છે, છતાં પ્રધાનમંડળના વિસ્તરણ અંગે કંઇ નક્કી કરાયું નથી. ઉલ્લેખનીય છે કે 30મી જૂને એકનાથ શિંદે અને ફડણવીસે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. શિંદે જૂથ અને ભાજપ વચ્ચે વિભાગોની વહેંચણી પણ સહમતિ ન થવાને કારણે પણ વિસ્તરણની પ્રક્રિયા અટકી પડી છે. 
સુપ્રીમ કોર્ટ ઉદ્ધવ અને શિંદે જૂથ વચ્ચેના કેસનો ચુકાદો સોમવારે આપવાની છે. મહારાષ્ટ્રમાં કૅબિનેટનું વિસ્તરણ થશે તો પણ બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં વરિષ્ઠ વિધાનસભ્યોને કૅબિનેટમાં સામેલ કરવામાં આવશે અને ભાજપ તથા શિંદે જૂથના સાત-સાત વિધાનસભ્યને પ્રધાનપદની શપથ અપાવવામાં આવશે ત્યારબાદ શિંદે જૂથના નવ અને ભાજપના ક્વોટામાંથી 15 નેતાને પ્રધાન બનાવવામાં આવી શકે છે. ત્યારબાદ બીજા તબક્કામાં બાકી રહેલા પ્રધાનો શપશ લેશે. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust