અમિત શાહ ગુજરાતમાં મુખ્ય પ્રધાનનો ચહેરો ? કેજરીવાલનો સવાલ

નવી દિલ્હી, તા.4: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો પૂરી તાકાતથી લડતની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપનો મદાર નિ:સંદેહ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર હોય. બીજીબાજુ આમઆદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ભાજપ સામે બાથ ભીડવામાં કોઈ જ કસર છોડવા માગતા નથી. આપની સક્રિયતા સામે ગુજરાતમાં કોંગ્રેસ સદંતર ગેરહાજર ભાસે છે ત્યારે કેજરીવાલે સોશિયલ મીડિયાનાં માધ્યમથી ભાજપને એક સવાલ કરીને ગુજરાતમાં ભાજપનાં નેતૃત્વની અટકળો શરૂ થઈ જાય તેવો મમરો મૂકી દીધો છે. કેજરીવાલે ટ્વિટમાં લખ્યું હતું કે, ગુજરાતમાં આ ઝડપથી આગળ ધપી રહ્યો છે અને ભાજપ પણ ગભરાઈ ગયો છે. શું આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ ગુજરાતમાં અમિત શાહને મુખ્ય પ્રધાન પદના ચહેરા તરીકે ઘોષિત કરવા જઈ રહ્યો છે ? શું ભૂપેન્દ્ર પટેલનાં કામથી પણ ભાજપ નારાજ છે ?
વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનાં ગૃહરાજ્ય ગુજરાતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તે સ્વાભાવિક છે. મોદી અને શાહની જોડીએ ફરી એકવાર અહીં પોતાનો જાદુ દેખાડવા માટે ગુજરાતના પ્રવાસો પણ વધારી દીધા છે. સામે પક્ષે કેજરીવાલે પણ કોંગ્રેસની નગણ્ય હાજરી સામે પોતાની જગ્યા સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના આંટાફેરા વધારી દીધા છે. પંજાબમાં સત્તા હાંસલ કર્યા બાદ હવે પોતાના દિલ્હી મોડેલનો દાખલો દઈને કેજરીવાલ ગુજરાતમાં મહત્તમ પ્રતિનિધિત્વ મેળવવાની મથામણમાં છે. ગુજરાતની ચૂંટણીમાં નગારે ઘા કરતાં તેમણે સૌથી પહેલા પોતાનાં પક્ષનાં 10 ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. આ ઉપરાંત તેમના તરફથી અનેક પ્રલોભનોવાળા ચૂંટણી વચનો પણ આપવામાં આવી રહ્યા છે. જેના હિસાબે તે ભાજપ સામે કોંગ્રેસ કરતા મજબૂત ટક્કર આપે તેવું રાજકીય ચિત્ર ઉપસી રહ્યું છે. આ સંજોગોમાં હવે તેમણે મુખ્યમંત્રી પદ માટે અમિત શાહનાં નામની વિચારણા ભાજપ કરતો હોવાની અટકળને વેગ આપ્યો છે. તેમાં કેટલું તથ્ય છે એ તો આવનારો સમય જ કહેશે. અત્યારે તેમનાં આ નિવેદનથી ગુજરાતમાં ભાજપનાં નેતૃત્વની ચર્ચાનું ચકડોળ શરૂ થયું છે.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust