કૉંગ્રેસ દ્વારા આજે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત

મુંબઈ, તા. 4 : `કેન્દ્રની ભાજપ સરકારના મનમાનીભર્યા કારભારને લીધે મોંઘવારીનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જીવનાવશ્યક વસ્તુઓ પર પણ જીએસટી લગાડીને મોદી સરકાર સામાન્ય જનતાને ભીખ માંગતી કરવા માગે છે', એવો આક્ષેપ મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પટોલેએ કર્યો છે. મોંઘવારી, બેકારી અને કથળેલા અર્થતંત્ર માટે કેન્દ્ર સરકારના ખોટા ધોરણોને જવાબદાર ગણાવી શુક્રવાર પાંચમી અૉગસ્ટે રાજભવનને ઘેરો ઘાલવાની અને જેલભરો આંદોલન કરવાની જાહેરાત તેમણે કરી હતી.
નાના પટોલેએ જણાવ્યું હતું કે, `પેટ્રોલ, ડિઝલ, એલપીજી, સીએનજી અને પીએનજી ગૅસના દર દિવસે દિવસે વધી રહ્યા છે. લોકો મોંઘવારીથી ત્રાસી ગયા હોવા છતાં કેન્દ્ર સરકારે દૂધ, દહીં, પનીર, લોટ, તેલ અને ઘી સહિત જીવનાવશ્યક વસ્તુઓ પર જીએસટી લગાડયો છે. મોદી સરકારે શાળાના બાળકોને પણ જીએસટીથી મુક્ત રાખ્યા નથી. શૈક્ષણિક વસ્તુઓ પર જીએસટી લગાડયો છે. હૉસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જીએસટી ભરવો પડશે,' એવું કહીને તેમણે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust