મધ્ય રેલવેનું જોરદાર ટિકિટ ચેકિંગ
મુંબઈ, તા. 4 : મધ્ય રેલવેએ ટિકિટ વિનાના અથવા યોગ્ય ટિકિટ વિનાના પ્રવાસ પર અંકુશ મૂકવા માટે લોકલ ટ્રેનો સહિત મેલ-એક્સપ્રેસ અને સ્પેશિયલ ટ્રેનોમાં જોરદાર ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવ્યું છે. મધ્ય રેલવેની ટિકિટ ચેકિંગ ટીમે એઁપ્રિલથી જુલાઈ 2022ના પ્રથમ ચાર મહિનામાં રૂા. 126.18 કરોડનું ટિકિટ ચેકીંગ મહેસૂલ જમા ર્ક્યું છે.
જુલાઈ મહિનામાં ટીમે 3.27 લાખ પ્રકરણોમાં રૂા. 20.66 કરોડનું મહેસૂલ એકત્ર ર્ક્યું છે. એપ્રિલથી જુલાઈ 2022માં વિના ટિકિટ/ગેરકાયદે પ્રવાસ અને બુક નહીં કરેલા સામાનના કુલ 18.37 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં 7.49 લાખ પ્રકરણ નોંધાયા હતા જેમાં આ વર્ષે 145.17 ટકાનો વધારો થયો છે. આમ વિના ટિકિટ/ગેરકાયદે પ્રવાસ દ્વારા એપ્રિલથી જુલાઈ 2022 દરમિયાન મધ્ય રેલવેને રૂા. 126.18 કરોડની આવક થઈ છે જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન થયેલી રૂા. 45 કરોડની આવકની સરખામણીમાં 180 ટકાનો વધારો દર્શાવે છે.
Published on: Fri, 05 Aug 2022