બોગસ રિવ્યુની બ્રાન્ડના પ્રચારકો અને બ્લૉગરને પણ સામેલ કરવાની કૈટની માગણી

મુંબઈ, તા. 4 : કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) મુંબઈ મહાનગર પ્રાંતના અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય  અધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે કૉન્ફેડરેશને કેન્દ્ર સરકારને અનુરોધ ર્ક્યો છે કે અૉનલાઈન ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓ વિશેના બોગસ અને ભ્રામક રિવ્યુથી બચાવવા માટે બ્રાન્ડ પ્રચારકો, સોશિયલ મીડિયા પર રિવ્યુ આપનાર (ઈન્ફ્લુએન્સર) અને બ્લૉગરને પણ પ્રસ્તાવિત રૂપરેખા અંતર્ગત લાવવા જોઈએ. કૈટએ એમ પણ જણાવ્યું હતું કે કોઈ પણ ઉત્પાદન અને સેવાની રેટિંગ પણ સમીક્ષા માટે નીતિગત માળખાનો હિસ્સો હોવી જોઈએ. ગ્રાહક સંબંધિત બાબતોના મંત્રાલયના સચિવ રોહિતકુમાર સિંહે મે મહિનામાં ઈ-કૉમર્સ કંપનીઓ અને સંબંધિત પક્ષો સાથે બેઠક યોજી હતી જેમાં અૉનલાઈન વેચાણ મંચ પર ઉત્પાદનો અને સર્વિસની સેવાઓના બોગસ રિવ્યુથી ગ્રાહકોના રક્ષણના મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. 
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust