કાર નીચે બાળક કચડાવાના કેસમાં ગિરગામના વેપારીનો છુટકારો

`બાળક ભાંખોડિયાભરી રહ્યું હતું'
મુંબઈ, તા. 4 : મૅજિસ્ટ્રેટ કોર્ટે 2020માં વાહન નીચે બાળક કચડાવવાના કેસમાં 47 વર્ષના ગિરગામના એક વેપારીને નિર્દોષ છોડી મૂક્યો હતો. કોર્ટને જ્યારે એ વાતની જાણ થઈ કે, સગીર બાળક ત્યારે રસ્તા પર ભાંખોડિયાભરી રહ્યું હતું, જેને વાહનચાલક જોઈ શક્યો ન હતો.
કોર્ટે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળના પંચનામા અને ટાયરના નિશાન એવું બતાવે છે કે, વાહનચાલકે જ્યારે ચાર ફૂટના અંતરેથી બાળકને જોયું ત્યારે તેમણે બ્રેક લગાવી હતી, પરંતુ વાહનને અંકુશમાં રાખવાનું આટલું અંતર પૂરતું નહોતું.
`કાર ઝડપથી હંકારવામાં આવી રહી હતી અને તે બેદરકારીપૂર્વક હંકારવામાં આવી રહી હતી. એવો કોઈ કેસ બનતો નથી અને આરોપી તરફથી જે બયાન કરવામાં આવ્યો છે તે વ્યાજબી લાગી રહ્યો છે,' એમ કોર્ટે જણાવ્યું હતું.
`સરકારી કે ફરિયાદી પક્ષ આરોપી સામેના આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે' એમ મૅજિસ્ટ્રેટે જણાવ્યું હતું.
આરોપી સંજય મહેતા જામીન પર છે. સરકારી પક્ષના આ કેસ મુજબ 1 ફેબ્રુઆરી, 2020ના ગ્રાંટ રોડ (પૂર્વ) ખાતે સવારના 9.30 કલાકે આરોપી બેદરકારીપૂર્વક કાર હંકારી રહ્યો હતો અને રોડ પર ઘૂંટણભેર ધસડી રહેલા ઘરબાર વિનાના બાળકને તેણે કાર નીચે કચડી દીધું હતું અને તેનું મોત નીપજ્યું હતું.
આરોપી પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની વધુમાં વધુ બે વર્ષની સજા થાય તેમ હતી.
આરોપીએ આ અરોપોને રદિયો આપ્યો હતો અને પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાની દલીલ કરી હતી.
બચાવ પક્ષના વકીલે ઘટના સ્થળની તસવીરો રજૂ કરી હતી. તેના આધારે તેમ જ પંચનામાની વિગતોને આધારે કોર્ટે જણાવ્યું હતું કે ભાંખોડિયા ભરતા બાળકને જોઈ શકાય તેમ નહોતું.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust