એન્ટિલિયા વિસ્ફોટક - મનસુખ હિરેન હત્યા કેસ : પુરાવાનો ખર્ચ એનઆઇએને પરવડતો નથી

મુંબઈ, તા. 4 : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બંગલાની બહાર મળી આવેલા સ્ફોટક પદાર્થ કેસ અને વેપારી મનસુખ હિરેન હત્યા કેસના તમામ પુરાવાની પ્રત (કોપી) માટે મોટા પ્રમાણમાં થઇ રહેલો ખર્ચ અને લાગતો સમય આરોપીને આપવો શકય નથી, એમ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ વિશેષ અદાલતને જણાવ્યું છે. આ પુરાવા આરોપીઓને ઉપલબ્ધ કરાવી અપાવા રૂ.40 લાખનો ખર્ચ થશે અને આ ખર્ચ પરવડી શકે એવો નથી એવી રજૂઆત એનઆઇએએ અદાલતને કરી છે. 
તપાસ દરમિયાન જમા કરાયેલા તમામ પુરાવાની કોપી કેસ શરૂ થાય તે પહેલા સરકારી પક્ષ તેમ જ તપાસ યંત્રણાના આરોપીઓને ઉપલબ્ધ કરવાની હોય છે તેમ જ આ પુરાવાની કોપી આરોપીઓને આપવા માટે ભારે પ્રમાણમાં ખર્ચ થશે. 
આ ઉપરાંત આરોપીઓને કોપી ઉપલબ્ધ કરાવી આપવા માટે આઠ મહિના અથવા 258 દિવસોથી વધુનો સમય લાગી શકે છે એવો દાવો એનઆઇએએ કર્યો છે. પુરાવામાં મોટા પ્રમાણમાં ડિજીટલ પુરાવાનો સમાવેશ છે, જેમાં મુંબઇ અને થાણેમાંના સીસીટીવી કૅમેરામાં કેદ તસવીરો અને વીડિયો છે. તેમ જ ફોન રેકોર્ડ અને સંવાદની કોપીનો સમાવેશ કરાયો છે. આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તમામ ઉપર યુએપીએ કલમ લાગુ કરવામાં આવી હોવાનું એનઆઇએએ અદાલતને જણાવ્યું છે.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust