મહારાષ્ટ્રે વીજ કંપનીઓને રૂ.21,500 કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી

મુંબઈ, તા. 4 : ઊર્જા (પાવર) મંત્રાલયના છેલ્લામાં છેલ્લા આંકડા બતાવે છે કે પાવર જેનકોસ (વિદ્યુત ઉત્પન્ન કરતી કંપનીઓ)ને મહારાષ્ટ્રે તમામ રાજ્યોમાં સૌથી વધુ એટલે કે રૂપિયા 21,500 કરોડની રકમ ચૂકવવાની બાકી છે.
એમએસઈડીસીએલના મૅનેજિંગ ડિરેક્ટર વિજય સિંઘલે જણાવ્યું હતું કે લેખાંકન પ્રક્રિયામાં કેટલોક તફાવત છે અને તેમની ગણતરી પ્રમાણે ચૂકવવાની બાકીની રકમ રૂપિયા 13,500 કરોડથી વધુ નથી. સિંઘલે જણાવ્યું હતું કે તેમણે આ બાબતમાં મહાજેનકોના મૅનેજિંગ ડિરેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલન કર્યું છે અને આ `સુધારો' કરવા મંગળવારે બેઠક યોજવામાં આવી છે. આ બાબતમાં કેન્દ્રીય પાવર મંત્રાલયને પણ જાણ કરી દેવામાં આવી છે.
અમે અમારી વિગતો અને એકાઉન્ટ્સ તેમ જ ગણતરીને આગળ કરશું જે બતાવે છે કે જેનકો કંપનીઓને જે રકમ ચૂકવવાની છે તે રૂપિયા 13,500 કરોડ કરતાં વધુ નથી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. જેનકો કંપનીઓને ચૂકવવાની રકમ વધી રહી છે ત્યારે રાજ્યના 2.8 કરોડથી વધુ ગ્રાહકો ધરાવતી પાવર ડિસ્કોમ એમએસઈડીસીએલ પણ ઇલેક્ટ્રિક બિલોના નાણાં મેળવવામાં મુશ્કેલી અનુભવી રહી છે. ગ્રાહકો પાસેથી આ કંપનીએ ઇલેક્ટ્રિક બિલો પેટે રૂપિયા 60,000 કરોડનાં લેણાંની બાકીની રકમ વસૂલ કરવાની છે. જેમાંના 42,000 કરોડ રૂપિયાનાં વીજળી બિલો ખેડૂતોએ ભર્યાં નથી.
જો આ નાણાં વસૂલ કરવામાં આવશે તો એમએસઈડીસીએલ પુરાંતમાં આવી જશે એમ સિંઘલે જણાવ્યું હતું.
ભૂતકાળમાં ખેડૂતો પાસેથી બિલની રકમ વસૂલ કરવામાં મુશ્કેલીઓ નડી છે, પરંતુ તેમની ટીમે છેલ્લા એક વર્ષમાં રૂપિયા 2500 કરોડની રકમ વસૂલ કરી હતી એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust