મુંબઈના પચાસ ટકા ગણેશ મંડળોને નાની મૂર્તિઓ સ્થાપવાની ફરજ પડશે

મુંબઈના પચાસ ટકા ગણેશ મંડળોને નાની મૂર્તિઓ સ્થાપવાની ફરજ પડશે
ગણેશજીની પ્રતિમાની ઊંચાઇ પરનો પ્રતિબંધ તો દૂર થયો પણ...
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : ગણેશોત્સવને હવે એક મહિનાનો સમય પણ બાકી નથી ત્યારે મંડળો અને મૂર્તિકારો તરફથી તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કોરોનાકાળ બાદ રાજ્ય સરકારે આ વખતે પર્વો પરથી તમામ પ્રતિબંધો દૂર કર્યા છે ત્યારે ગણેશની પ્રતિમાની ઊંચાઇ અંગે પણ કોઇ બંધન રહ્યું નથી. તેમ છતાં મુંબઈમાં આ વખતે પચાસ ટકા મંડળો બાપ્પાની ઊંચી પ્રતિમાઓનું સ્થાપન નહીં કરી શકે એવી શક્યતા છે, કારણ કે મુખ્ય પ્રધાન એકનાશ શિંદેની સરકાર સત્તા પર આવ્યાને થોડો સમય જ થયો છે અને શિંદે મુખ્ય પ્રધાન બન્યા બાદ આ પર્વો પરના પ્રતિબંધો દૂર કરાયા હોવાથી મંડળો અને મૂર્તિકારોને તૈયારી કરવા માટે પૂરતો સમય મળ્યો નથી. 
`જન્મભૂમિ' સાથેની વાતચીતમાં મૂર્તિકાર રાજુ શિંદેએ જણાવ્યું હતું કે આ વખતે ગણપતિની ઊંચી મૂર્તિની માગણી વધુ છે, પરંતુ મજૂરો ઉપલબ્ધ નથી. પ્રતિબંધો દૂર કરવાની જાહેરાત મોડેથી કરાઇ હોવાથી અનેક મજૂરો અન્ય રાજ્યમાં કામ કરવા જતા રહ્યા છે. તેથી અહીં મજૂરોની અછત સર્જાઇ છે. આ સિવાય ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ચોમાસામાં પૂર આવ્યા બાદ કાચો માલ મળવાનું મુશ્કેલ થઇ ગયું છે. તેથી પ્રતિમાના દરમાં પણ 70 ટકાનો વધારો થયો છે. 
અમે બાવીસ ફૂટ સુધી પ્રતિમાઓ માટેનો બહુ ઓછો ઓર્ડર લીધો છે, કારણ કે મજૂર અને કાચો માલ ઉપલબ્ધ નથી. અમે હાલમાં દિવસ-રાત કામ કરી રહ્યા છે, પરંતુ આટલા સમયમાં તમામ ઓર્ડર પૂર્ણ કરવાનું શક્ય નથી. આ વખતે મુંબઈના પચાસ ટકા મંડળોને ગણેશજીની સાતથી આઠ ફૂટની પ્રતિમાઓ સ્થાપન કરવાની ફરજ પડશે. મુંબઈના દરેક વર્કશોપમાં આવી જ હાલત છે, એમ મૂર્તિકારે વધુમાં જણાવ્યું હતું.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust