રાઉતની ઇડી કસ્ટડી આઠમી અૉગસ્ટ સુધી વધારાઈ

રાઉતની ઇડી કસ્ટડી આઠમી અૉગસ્ટ સુધી વધારાઈ
મુંબઈ, તા. 4 : મુંબઈની વિશેષ અદાલતે ગુરુવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની કસ્ટડી આઠમી અૉગસ્ટ સુધી ચાર દિવસ માટે વધારી દીધી છે. કથિત મની લોન્ડ્રિંગ મામલે સોમવારે વહેલી સવારે ધરપકડ કરાયેલા રાઉતને ચોથી અૉગસ્ટ સુધી ઇડી કસ્ટડી ફટકારવામાં આવી હતી અને આજે બપોરે વિશેષ પીએમએલએ અદાલતમાં તેમને હાજર કરાયા બાદ તેમની ઇડી કસ્ટડી વધુ ચાર દિવસ વધારી દેવામાં આવી હતી. 
પત્રાચાલ કૌભાંડમાં સંજય રાઉત અને તેના પરિવારે રૂ.1.6 કરોડ લીધા હોવાનો આરોપ ઇડીએ મૂકયો છે. આ મામલે તપાસ કરવા માટે ઇડીએ મંગળવારે બે ઠેકાણે દરોડા પાડયા હતા. રોકડ રકમના વ્યવહાર બાબતે પુરાવા મેળવવા તપાસ કાર્યવાહી હાથ ધરાઇ હતી. ઇડીને અત્યાર સુધીની તપાસમાં એચડીઆઇએલના પ્રવીણ રાઉતને રૂ.112 કરોડ અપાયા હોવાનું જાણવા મળ્યું છે. આ રકમ પ્રવીણ રાઉતે તેમના નજીકના સહકારી, પરિવારના સભ્ય, તેમની સંસ્થા વગેરેના જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જેમાં રૂ.1,06,44,375 (એક કરોડ છ લાખ 44 હજાર 375 રૂપિયા) સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને આપવામાં આવ્યાં હતાં, જેમાંથી રૂ.55 લાખ વર્ષ 2009-2010માં લોન તરીકે વર્ષા રાઉતને પરત મળ્યાં હતાં અને તેમાંથી ઘર ખરીદવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રવીણ રાઉતના વ્યવસાયિક સંબંધ એવા પ્રથમેશ ડેવલપર્સ મારફત વર્ષા રાઉત અને સંજય રાઉતને રૂ.37.50 લાખનો લાભ થયો હતો. જેને માટે વર્ષા અને સંજય રાઉતે અનુક્રમે રૂ.12.40 લાખનું રોકાણ કર્યું હતું. 
પ્રવીણ રાઉતનો મોહરા તરીકે ઉપયોગ થયો હોવાનો આરોપ 
અવની ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને માત્ર રૂ.5,625ના રોકાણ ઉપર વર્ષા રાઉતને રૂ.13.94 લાખનો લાભ થયો હોવાની માહિતી ઇડીએ અદાલતમાં આપી હતી. આ ઉપરાંત સંજય રાઉત પ્રકરણમાં સામેલ હતા અને પ્રવીણ રાઉતનો ઉપયોગ મહોરા તરીકે કરાયો હતો. 
પ્રવીણ રાઉતે સંજય રાઉત સાથેના નિકટ સંબંધો દેખાડીને મ્હાડા પાસે ખોટી રીતે પરવાનગી માગી હોવાનો આરોપ ઇડીએ મૂકયો છે. રાઉતને મળેલી રકમમાંથી આઠ કરાર દ્વારા 10 ભૂખંડ અલીબાગના કિમ ખાતે ખરીદવામાં આવ્યા હતા. આ કરાર સ્વપ્ના પાટકર અને સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતનાં નામ ઉપર છે તેમ જ પત્રાચાલ કૌભાંડમાં રોકડ વ્યવહારની ગેરરીતિ કરવા અવની ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્થાપના કરાઇ હતી. 
રાઉતને દર મહિને રૂા. બે લાખ અપાતા હોવાનો આરોપ સંજય રાઉતના પરિવારને દેશ વિદેશના પ્રવાસ ખર્ચ પેટે પ્રવીણ રાઉતે દર મહિને રૂ. બે લાખની રોકડ આપી હોવાનો આરોપ ઇડીએ મૂકયો છે.
વર્ષા રાઉતને પણ ઈડીનું સમન્સ
ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની અટકાયતમાં રહેલા શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પણ ઈડીએ તપાસ માટે સમન્સ મોકલાવ્યું છે. ગોરેગામની પત્રાચાલ કૌભાંડ પ્રકરણે આ સમન્સ બજાવવામાં આવ્યું છે. વર્ષા રાઉતનાં બૅન્ક ખાતામાંથી ઘણાં આર્થિક વ્યવહાર થયા હોવાનો આક્ષેપ ઈડીએ ર્ક્યો છે. આથી આ પ્રકરણે ઈડી હવે વર્ષા રાઉતની પણ તપાસ કરશે.
ઈડીએ અત્યાર સુધી આ પ્રકરણે કરેલી તપાસમાં એચડીઆઈએલ દ્વારા પ્રવીણ રાઉતના ખાતામાં લગભગ રૂા. 112 કરોડ હસ્તાંતરિત કરવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું છે. આ રકમ પ્રવીણ રાઉતે તેમના નજીકના સહયોગી, પરિવારના સભ્યો, તેમની વ્યવસાયિક સંસ્થા વગેરેના વિવિધ ખાતામાં ટ્રાન્સફર કરી છે.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust