ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 4 : કચ્છના હરામી નાળા પાસે મળેલી બે પાકિસ્તાની બોટ પહેલી નજરે માછીમારોની બોટ લાગે છે, પણ આજે વહેલી સવારે પકડાયેલી આ બંને બોટમાં માછલી મારવાની `પ્રિસ્ટ પોચર'ના બદલે લાકડાંના દંડા વધુ છે જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે.
બીએસએફ દ્વારા આજે સવારે હરામી નાળા પાસેથી પકડાયેલી એન્જિનવાળી બે પાકિસ્તાની બોટમાં પ્રથમ દૃષ્ટિએ માછલી પકડવાની જાળ અને થોડો ખાવાનો સામાન મળ્યો છે. બીએસએફની પેટ્રાલિંગ ટીમને હરામી નાળા પાસે બે પાકિસ્તાની બોટ મળી છે. એન્જિનવાળી આ બંને બોટ દરિયામાં છોડીને પાકિસ્તાની માછીમારો ભાગી ગયા અને એમાં માછલી પકડવાની જાળ અને સામાન્ય સામાન મળ્યો છે. આ બોટની તપાસ બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે.
કોસ્ટગાર્ડના એક અધિકારીએ તપાસ સંબંધી વાતમાં `જન્મભૂમિ'ને કહ્યું કે, આ બોટ બીજી માછીમારી પાકિસ્તાની બોટ જેવી છે, પરંતુ એમાં રહેલી બે બાબતો શંકા ઊભી કરી રહી છે. એક બોટનું એન્જિન કટાયેલું છે અને બોટ પણ જૂની છે, જ્યારે બીજી બોટમાં એન્જિન નવું છે અને રંગ રોગાન કરેલી બોટ છે. આ બતાવે છે એક બોટ જો ભારતીય સુરક્ષા એજન્સીની નજરમાં ચઢે તો એને મૂકી નવી બોટમાં પરત જવું, પરંતુ બીએસએફની સતર્કતાને કારણે બંને બોટ મૂકી ગયા છે. સામાન્યરીતે માછીમારો પોતાની બોટમાં કોઈ મોટી માછલી પકડાઈ જાય તો એને મારવા માટે `પ્રિસ્ટ પોચર' રાખે છે. અલબત્ત `પ્રિસ્ટ પોચર' લાકડાનું હોય છે પણ એ કર્વ (વળેલું) આકારનું હોય છે અને ઘણા માછીમારો લાકડાંના દંડા વાપરે છે પણ એ મોટી માત્રમાં નથી હોતા. એટલું જ નહિ સૌ સીધા દંડા જેવા આકારના નથી હોતા, પણ આ બંને બોટમાંથી `પ્રિસ્ટ પોચર'ના બદલે લાકડાંના દંડા વધુ મળ્યા છે. આનો ઉપયોગ દરિયાઈ `ક્રિક'માં કાદવ હોય ત્યારે કોઈ વસ્તુના આદાનપ્રદાન માટે બોટને એક જગ્યાએ રોકવા માટે થાય છે, જેથી દરિયામાં ઉતરીને તરત કોઈ ચીજવસ્તુની આપ-લે કરીને પરત આવી શકાય. બોટ દરિયાના પ્રવાહમાં દૂર ન જતી રહે એટલે આ બોટમાં વધેલું ઇંધણ કેટલું છે એની તપાસ કરી દંડાનો ઉપયોગ ક્યાંય બોટને લાંગરવા માટે થયો છે કે નહિ એની તપાસ કરી રહ્યા છીએ.
Published on: Fri, 05 Aug 2022
પાકિસ્તાની બોટમાંથી પ્રિસ્ટ પોચરના બદલે લાકડાંના દંડા શંકાસ્પદ છે?
