હર ઘર તિરંગા અભિયાનનો સુરતથી શુભારંભ કરાવતાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

હર ઘર તિરંગા અભિયાનનો સુરતથી શુભારંભ કરાવતાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 4 : આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની રાષ્ટ્રભાવના સાથે ઉજવણી અંતર્ગત `હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે સુરતના પીપલોદ ખાતે રાજ્યવ્યાપી `તિરંગા પદયાત્રા'નો સુરતથી આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો તેમ જ `તિરંગા પદયાત્રા'ને તિરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મુખ્ય પ્રધાન `તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા. લાલભાઈ કૉન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રાના રૂટ પર મુખ્ય પ્રધાન અને મહાનુભાવોનું તિરંગા લહેરાવી શહેરીજનોએ હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું. મુખ્ય પ્રધાને પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.  
 મુખ્ય પ્રધાને સમારોહને સંબોધતાં જણાવ્યું હતું કે, આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવ જગાવવા સુરતની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે. દેશની એકતા, અખંડિતતા અને `એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના પ્રતીક તિરંગાને દેશનાં તમામ ઘરોમાં લહેરાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાનને ઝીલી લઈને રાજ્યનાં એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.  
રાજ્યના તમામ નાગરિકો ઘર પર તિરંગો લહેરાવે અને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાઈને મા ભારતીનું ગૌરવ વધારે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust