સુરત. તા. 4 : `જેનુ કર્તવ્ય અને ગુરૂધર્મ જીવીત રહે છે તે અમર રહે છે, જેના કર્મ અમર રહે તેની ઊર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન એ શાશ્વત ભાવનાનું પ્રતિક છે. આજે ધરમપુરમાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણની સાથે એનિમલ હોસ્પિટલ અને સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વીમેનનું શિલાન્યાસ પણ કરાયું છે. જેનાથી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને લાભ થશે. શ્રીમદ રાજચંદ્રએ મૂકસેવકની જેમ સમાજ સેવાના જે બીજ વાવ્યા હતા તે આજે વટવૃક્ષ બન્યા છે` ઉપરોક્ત પ્રેરક શબ્દો વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા રૂ. 200 કરોડના ખર્ચે નિર્માણ થયેલી 250 બેડની મલ્ટિ સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર ચેરિટેબલ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરતી વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્ચ્ચાયા હતા.
વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, શ્રીમદ રાજચંદ્ર મિશન સાથે મારો જૂનો સંબંધ છે, હું દાયકાઓ પહેલા ધરમપુર અને સિદુમ્બરમાં આવતો ત્યારે આપ સૌની વચ્ચે રહેતો હતો. આ મહાનભૂમિ, આ પૂણ્યભૂમિએ આપણને જેટલું આપ્યુ છે તેનું એક અંશ પણ આપણે સમાજને પરત કરીએ તો સમાજમાં ખૂબ જ તેજીથી બદલાવ આવે. જેનાથી દેશ પણ મજબૂત બને છે. હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ગ્રામીણ વિસ્તારોમાં ઉત્તમ સેવા આપવા જઈ રહ્યું છે. જે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સશક્ત બનાવશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સેવાની જ્યોત જલાવનાર આશ્રમના ગુરૂદેવ રાકેશજી, સમગ્ર મિશન અને સેવકોને અભિનંદન પાઠવું છુ, ગુરૂદેવના નેતૃત્વમાં ગ્રામીણ વિસ્તારોમાં રાજચંદ્ર મિશન પ્રશંસનીય સેવા કાર્ય કરી રહ્યું છે. શ્રીમદ રાજચંદ્ર એક દિવ્ય પુરૂષ હતા, એક યુગપુરૂષ હતા. ગાંધીજી કહેતા હતા કે, આપણે કેટલાય જન્મો લેવા પડશે પરંતુ શ્રીમદ રાજચંદ્ર માટે એક જ જીવન કાફી છે. ગાંધીજી આધ્યાત્મિક ચેતના શ્રીમદ રાજચંદ્ર પાસેથી લેતા હતા. દેશ તેમનો ઋણી છે.
Published on: Fri, 05 Aug 2022
ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર હૉસ્પિટલનું વડા પ્રધાને કર્યું વર્ચ્યુઅલ ઉદઘાટન
