નેશનલ હેરલ્ડ કેસમાં ઈડીને મળી હવાલા લિન્ક
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.4: મની લોન્ડ્રિંગ કેસમાં નેશનલ હેરાલ્ડની હોલ્ડિંગ કંપની યંગ ઇન્ડિયાની ઓફિસમાં ઈડીનો દરોડાનો દોર ચાલુ છે ગુરુવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે હેરાલ્ડ હાઉસમાં ઈડી સમક્ષ હાજર થયા હતા. આ કેસમાં ઈડીને હવાલા લિંકના પુરાવા મળી આવતા સોનિયા-રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. ઈડી હવે તેમનાં નિવેદનોની ફેર તપાસ કરશે. ઈડીની કાર્યવાહીનો મામલો ગુરુવારે સંસદમાં ગૂંજ્યો હતો.
રાજ્યસભામાં વિપક્ષના નેતા 80 વર્ષીય ખડગે બપોરે 12:40 કલાકે હેરાલ્ડ હાઉસ પહોંચ્યા અને ઈડી અધિકારીઓને મળ્યા હતા. કંપનીના અગ્રણી અધિકારી હોવાને નાતે ઈડીએ દરોડા દરમિયાન તેમને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. યંગ ઇન્ડિયન કંપનીના શેરધારકોમાં સોનિયા અને રાહુલ ગાંધીનું નામ પણ છે. ઈડીએ 4 માળના હેરાલ્ડ હાઉસના યંગ ઇન્ડિયન લી.ની ઓફિસ સીલ કરી છે. ઈડી સૂત્રો અનુસાર, હેરાલ્ડ કેસમાં ઈડીને ત્રીજો પક્ષ અને સંલગ્ન કંપનીઓ વચ્ચે હવાલા લેણ-દેણના પુરાવા મળ્યા છે. યંગ ઇન્ડિયનના પરિસરની તલાશી પૂર્ણ થયા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
રાજયસભામાં વિપક્ષના નેતા ખડગેને ઈડીના સમન્સનો મામલો કોંગ્રેસે સંસદમાં ઉઠાવ્યો હતો. કોંગ્રેસે સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. ખડગેએ કહ્યં કે જ્યારે સંસદ સત્ર ચાલી રહ્યં છે, મને ઈડીનું સમન્સ આવે છે કે તુરંત હાજર થાવ. ગૃહની કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે આ યોગ્ય છે? ગઈકાલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનાં નિવાસસ્થાનનો પોલીસે ઘેરાવ કર્યો હતો. આવામાં લોકશાહી જીવિત રહેશે? શું આપણે બંધારણ હેઠળ કામ કરી શકીશું? ખડગેએ આ મુદ્દે ચર્ચાની માગ કરી હતી.
Published on: Fri, 05 Aug 2022
રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધશે
