શિંદે જૂથની અરજી પર નિર્ણય ન લેવા ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ

શિંદે જૂથની અરજી પર નિર્ણય ન લેવા ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્રના રાજકીય સંકટ અંગે દાખલ થયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે ઉદ્ધવ ઠાકરેને રાહત આપતા ચૂંટણી પંચને જણાવ્યું હતું કે શિંદે જૂથની અરજી પર હાલ તુરંત કોઈ નિર્ણય ન લે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ કહ્યું કે આઠ અૉગસ્ટના દરેક પક્ષે ચૂંટણી પંચમાં જવાબ નોંધાવવાનો છે. જો પાર્ટી જવાબ દાખલ કરવા માટે સમય માગતી હોય તો ચૂંટણી પંચ તેમને સમય આપવા પર વિચારણા કરે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે હવે સોમવારે સુનાવણી હાથ ધરાશે.
એટલું જ નહીં, કોર્ટે કહ્યું કે તેઓ આઠ અૉગસ્ટના નિર્ણય લેશે કે આ કેસની સુનાવણી પાંચ જજની બંધારણીય બેન્ચને મોકલવો કે નહીં.
વિધાન સભ્યોની અયોગ્યતાની માગણી અંગે દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતા ચીફ જસ્ટિસે કપિલ સિબ્બલને પૂછ્યું કે રાજકીય પક્ષોની માન્યતાનો આ મામલો છે એમાં અમે કેવી રીતે દખલ દઈ શકીએ? ચૂંટણી પંચમાં આ મામલો છે. ત્યારે સિબ્બલે કહ્યું કે જો ચૂંટણી પંચ આ મામલે એક ચુકાદો આપે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ અયોગ્યતા અંગે ચુકાદો આપે તો પછી શું થશે? સિંઘવીએ કહ્યું કે પહેલા અયોગ્યતા પર ચુકાદો આવવો જોઇએ.
સિબ્બલે કહ્યું કે કોઈપણ પક્ષના 30-40 વિધાન સભ્યો અલગ થઈ કહી શકે છે કે અમે અસલી પાર્ટી છીએ. તો ચૂંટણી પંચ દ્વારા કહેવામા આવ્યું કે આવા કેસમાં કોઈ પક્ષ પંચ પાસે આવે ત્યારે અસલી પાર્ટી કોણ છે એ નક્કી કરવાની ચૂંટણી પંચની ફરજ છે. ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યુ ંછે કે અમે એક અલગ સ્વાયત્ત સંસ્થા છીએ, અમે દસ્તાવેજો માગ્યા છે. 
હરીશ સાલ્વેએ કહ્યું કે, માની લીધું કે બધાને અયોગ્ય ઠેરવવામાં આવે અને ચૂંટણી આવે તો શું અમે એ નથી કહી શકતા કે અમે જ અસલી પાર્ટી છીએ. સાલ્વેએ ચૂંટણી પંચની વાતને ટેકો આપતા કહ્યું કે વિધાનસભ્યો અયોગ્ય પણ જાહેર થાય તો રાજકીય પક્ષને શું ફરક પડશે? 
જોકે, ચીફ જસ્ટિસે કહ્યું, ચૂંટણી પંચ આ મામલે હાલ કોઈ નિર્ણય ન લે. પરંતુ તમામ પક્ષો એફિડેવિટ દાખલ કરી શકે છે. આ અંગે અમે હાલ કોઈ આદેશ જારી નથી કરતા.
Published on: Fri, 05 Aug 2022

© 2022 Saurashtra Trust