આરબીઆઈએ રેપો રેટ વધારતાં હૉમ અને અૉટો લોનના ઈએમઆઈ વધશે

આરબીઆઈએ રેપો રેટ વધારતાં હૉમ અને અૉટો લોનના ઈએમઆઈ વધશે
મુંબઈ, તા. 5 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ શુક્રવારે રેપો રેટમાં 50 બેસીસ પોઇન્ટનો વધારો કરી તેને કોરોના પૂર્વેની 5.4 ટકાની સપાટીથી ઊંચે લઈ જતાં ટૂંક સમયમાં જ બૅન્કો વિવિધ લોનના વ્યાજ દર વધારશે અને તેના પગલે હોમ અને અૉટો લોનના ઈએમઆઈ ઓર વધી જશે.
આરબીઆઈનો હેતુ ફુગાવાને ડામવાનો અને વપરાશકારો માટે કરજ ઉપરના દર વધારવાનો છે. આથી બૅન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ તેને અનુસરશે. છેલ્લા અમુક મહિનાઓમાં સેન્ટ્રલ બૅન્કે ત્રણ તબક્કામાં 1.4 ટકા વ્યાજદર વધાર્યા છે. આરબીઆઈના અગાઉના બે દર વધારાના પગલે બૅન્કોએ છેલ્લા બે મહિનામાં લોનના વ્યાજદર નોંધપાત્ર વધાર્યા છે.
આરબીઆઈએ તેની પાછલી મોનેટરી પૉલિસી મીટિંગમાં રેપો દર ફરી 50 બેસીસ પોઇન્ટ વધારી 5.4 ટકા કરવાનું નક્કી કર્યું હતું. પરિણામે રીવર્સ રેપો દર પણ વધી 3.85 ટકા થયા છે. નવા કે જૂના (ફીકસ્ડ દર સિવાયના) મોટા ભાગના લોન લેનારાઓએ અને ખાસ કરીને હોમ લોન લેનારાઓએ આગામી દિવસોમાં વધુ ઊંચા ઈએમઆઈ ભરવાની તૈયારી રાખવી પડશે.
સેન્ટ્રલ બૅન્કે 2022-23ના ફુગાવાના પ્રોજેક્શન 6.7 ટકા જાળવી રાખ્યા છે. ફુગાવો વધવાથી અને રેપો દર વધવાથી નવા અને વર્તમાન લોન ધારકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. છેલ્લા થોડાક મહિનાઓમાં વ્યાજદરોમાં 140 બેસીસ પોઇન્ટ્સનો વધારો થવાથી લોન ગ્રાહકો જે 6.8થી 7 ટકા વ્યાજ ચુકવતા હતા તે હવે 8.2થી 8.4 ટકા વ્યાજ ચૂકવશે. આનો અર્થ એ થયો કે 20 વર્ષીય લોન માટે વ્યાજની રકમ જે પાછી ચૂકવવામાં આવશે તે મૂળ રકમથી વધી જશે. મોટા ભાગના ધીરનારાઓ આ વધારો સતત મંજૂર કરે તેમ ન હોવાથી ઈએમઆઈ વધી જશે, એમ બૅન્ક બજારના સીઈઓ એ. શેટ્ટીએ જણાવ્યું હતું.
ઈએમઆઈ પ્રમાણે રીપેમેન્ટ પ્લાન હોવો આવશ્યક છે પણ હવે ઊંચા વ્યાજદરથી નાણાં પ્રવાહ ઘણો ઘસડાઈ જશે.
નવા દર વધારાની સાઈકલ તા. 4 મે 2022થી શરૂ થઈ હતી અને ત્યારે આરબીઆઈએ 40 બેસીસ પોઇન્ટ રેપો દર વધાર્યા હતા. 4 વર્ષના ગાળા બાદ આ પ્રથમવાર વધારો કરાયો હતો. આ પહેલાં તા. 6 જૂન 2018માં રેપો રેટ વધારવામાં આવ્યા હતા. મે 2022ના દર વધારા બાદ સેન્ટ્રલ બૅન્કે તા. 8 જૂનના રેપો દર 50 બેસીસ પોઇન્ટ વધાર્યા હતા. આના પરિણામે છેલ્લા 93 દિવસોમાં સેન્ટ્રલ બૅન્કે કુલ 140 બેસીસ પોઇન્ટ રેપો દર વધાર્યા હતા.
હવે જો લોન લેનારને રેપો દરથી ઊંચા પ્રીમિયમ ચૂકવવા પડતા હોય તો તેમણે લોનનું મૂલ્યાંકન કરવું જોઈએ. જો તમે પ્રાઇમ બોરોઅર હો (ક્રેડિટ સ્કોર 750થી વધુ હોય, સ્થિર આવક હોય અને લોન ચૂકવણી સમયસર કરાતી હોય) તો તમને રેપો દરથી 250-275 બેસીસ પોઇન્ટ આસપાસના પ્રીમિયમે હોમ લોન મળી શકશે. તાજેતરના મહિનાઓમાં દરોનો બેઇઝ આપણે જોયો છે. આથી હોમ લોન માટેના સૌથી નીચા દર 7.9થી 8.15ની રેન્જમાં રહેશે, એમ શેટ્ટીએ જણાવ્યું હતું.
આરબીઆઈએ અનુકૂળતાઓ પાછી ખેંચી લેવાનો નિર્દેશ કર્યો છે. આથી સાઈકલ પૂરી થવાનું દેખાતું નથી. આમાં બળતામાં ઘી હોમવાનું કામ ફુગાવો કરી રહેલ છે. ભારતમાં રીટેલ ફુગાવો જૂન મહિનામાં 7.01 ટકા હતો.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust