કાંદિવલી (પશ્ચિમ)માં રૂા. 30 કરોડના ખર્ચે નવો પુલ બંધાશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : કાંદિવલી (પશ્ચિમ)માં પોઇસર ચર્ચ, રઘુલીલા મોલની ટ્રાફિકજામની સમસ્યા હળવી બનાવવા પાલિકા રૂ.30 કરોડના ખર્ચે નવો બ્રિજ બાંધવાની છે. કાંદિવલી (પશ્ચિમ)ના દહાણુકર વાડી, ચારકોપ સેકટર એક અને બેમાં સર્જાતા ટ્રાફિકજામથી છૂટકારો મળશે. કાંદિવલી (પશ્ચિમ)માં પોઇસર ચર્ચથી એક જ રસ્તો હોવાથી તેનો ઓછો ઉપયોગ થાય છે. આ ઠેકાણે હવે બ્રિજ બાંધવામાં આવશે. જેને માટે પાલિકા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની છે. નવો બ્રિજ બાંધવા માટે પોઇસર નદી નજીક પારેખ નગર પાસેનો જૂનો ફૂટઓવર બ્રિજ તોડી પાડવામાં આવશે. ત્યારબાદ પોઇસર જીમખાના ખાતે નવો બ્રિજ બાંધવામાં આવશે.
સમય અને ખર્ચની બચત થશે
આ ઠેકાણે મેડિકલ કૉલેજ પ્રસ્તાવિત છે. મહાવીર નગરથી કાંદિવલી સ્ટેશન જવા માટે પ્રવાસીઓએ રિક્ષાના રૂ.50 ચૂકવવા પડે છે. આ બ્રિજ બની ગયા બાદ બોરીવલી સુધીનો પ્રવાસ આરામદાયક બની જશે. આ બ્રિજ બની ગયા બાદ પ્રવાસીના સમયની અને ખર્ચની બચત થશે.
બ્રિજ કેવો હશે?
27 બાય 18 મીટરનો ચાર લેનનો બ્રિજ હશે. આ બ્રિજ ઉપર રાહદારીઓ માટે સ્વતંત્ર પુલ હશે. 18 મહિનામાં બ્રિજ બાંધીને તૈયાર થશે. પુલ બાંધવાનો કુલ અંદાજિત ખર્ચ 30.15 કરોડ થશે.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust