કૉંગ્રેસના દેખાવોને અયોધ્યા સાથે જોડતા અમિત શાહ

નવી દિલ્હી, તા.5 : મોંઘવારી, બેરોજગારી અને તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગ સામે કેન્દ્ર સરકાર વિરુદ્ધ કાળાં કપડાં પહેરીને કરાયેલા વિરોધ પ્રદર્શનને અયોધ્યાના રામમંદિર સાથે સાંકળીને ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. શાહે `જે દિવસે રામ મંદિરનું ભૂમિપુજન થયું હતું એ જ દિવસને કાળાં કપડાં શા માટે પહેર્યાં' એવા સવાલ સાથે કોંગ્રેસ તુષ્ટિકરણનું રાજકારણ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. શાહે કહ્યું કે રામ મંદિરના શિલાન્યાસ થયો એ દિવસે કોંગ્રેસ નેતાઓએ કાળા કપડાં પહેરીને વિરોધપ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે વિરોધ માટે એ દિવસ એટલા માટે પસંદ કર્યો હતો કેમકે તેઓ પોતાના તુષ્ટિકરણના રાજકારણને આગળ વધારવાનો `કુટિલ' સંદેશ આપવા માગતા હતા. 
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust