લાલબાગચા રાજાને યુટયુબ દ્વારા સિલ્વર બટન

લાલબાગચા રાજાને યુટયુબ દ્વારા સિલ્વર બટન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : મુંબઈ અને મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ આખા વિશ્વના ગણેશભક્તોને લાલબાગચા રાજાના દર્શનની સુવિધા કરી આપનારા લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળને યુટયુબ ઈન્ડિયા દ્વારા `સિલ્વર બટન' પ્રદાન કરવામાં આવ્યું છે. ભાવિકો સુધી પહોંચવા સોશિયલ મીડિયાનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે આ ભેટ આપવામાં આવી છે. આવું માન મેળવનારું આ પહેલું ગણેશોત્સવ મંડળ છે.
કોરોનાકાળ દરમિયાન ઉત્સવો-તહેવારોની ઉજવણી પર નિયંત્રણ આવ્યા હતા. જોકે અનેક ઉત્સવ મંડળોએ એ વખતે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કર્યો હતો. ગણેશોત્સવની પણ અૉનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. એ વખતે અનેક ભાવિકોએ લાલબાગચા રાજાના અૉનલાઈન દર્શનની સુવિધાનો લાભ લીધો હતો. 
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ તો છેલ્લા અનેક વર્ષોથી 24 કલાક અૉનલાઈન દર્શન ઉપલબ્ધ કરી આપે છે. ઉપરાંત બાપ્પાની આરતી, ઉત્સવ દરમિયાન યોજાતા કાર્યક્રમો, મંડળની સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિ વગેરે સોશિયલ મીડિયા તેમજ ડિજિટલ માધ્યમ દ્વારા ભાવિકો સુધી પહોંચાડે છે. લાલબાગચા રાજાની વિસર્જન શોભાયાત્રાનું પણ ભાવિકોને વિશેષ આર્કષણ હોય છે. આ શોભાયાત્રા પણ ગણેશભક્તો અૉનલાઈન જોઈ શક્યા હતા. આમ ભક્તો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો અસરકારક રીતે ઉપયોગ કરનારા આ ગણેશોત્સવ મંડળને યુટયુબ ઈન્ડિયા દ્વારા `સિલ્વર બટન' પ્રદાન કરવામાં આવ્યું છે.
Published on: Sat, 06 Aug 2022

© 2022 Saurashtra Trust